News of Wednesday, 25th February 2026
ડો. મહેશ રાજપૂતે કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો
અમિતભાઈ ચાવડા, ભરતસિંહ સોલંકી અને જગદીશભાઈ ઠાકોર સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં પછાત વર્ગોના અધિકારો માટે લડતનું એલાન

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પાલડી સ્થિત 'રાજીવ ગાંધી ભવન' ખાતે તાજેતરમાં એક અભૂતપૂર્વ અને ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડો. મહેશભાઈ રાજપૂતે વિધિવત રીતે પ્રદેશ કોંગ્રેસના અન્ય પછાત વર્ગો (ઓ.બી.સી.) વિભાગના ચેરમેન તરીકેની જવાબદારી સ્વીકારી હતી. આ પ્રસંગે સંતો-મહંતોના આશીર્વાદ અને રાજ્યભરમાંથી ઉમટી પડેલા હજારો કાર્યકરોની ઉપસ્થિતિમાં ગુજરાતના ૫૨ ટકાથી વધુ ઓ.બી.સી. સમાજના હકો માટે જન-આંદોલન છેડવાની જાહેરાત કરવામાં આવી હતી.
સમારોહમાં ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર અનામતના કાયદાઓ સાથે ચેડાં કરી રહી છે. અમિતભાઈ ચાવડાએ વધુમાં ઉમેર્યું હતું કે, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ મેળવવા અને ૨૭ ટકા અનામતના વાસ્તવિક અમલ માટે કોંગ્રેસની આ નવી ટીમ મજબૂત લડત આપશે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિહ સોલંકીએ યાદ અપાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિહભાઈ સોલંકીના શાસનકાળથી જ પછાત વર્ગોને સત્તામાં સાચો હિસ્સો મળ્યો છે.
પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે હુંકાર કરતા કહ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી એ આપણો અધિકાર છે અને તેના માટે અમે રસ્તા પર ઉતરીને જનતાનો અવાજ ઉઠાવીશું.
ડો. મહેશ રાજપૂતે ‘પાંચ-સૂત્રીય સંકલ્પ પત્ર' જાહેર કર્યોઃ ગામડા સુધી સંગઠનઃ રાજ્યના તમામ તાલુકાઓમાં ઓ.બી.સી. સમિતિઓની ત્વરિત રચના કરી સંગઠનને છેવાડાના માનવી સુધી પહોંચાડવું, માર્ગદર્શન કેન્દ્રઃ વિદ્યાર્થીઓ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે વિશેષ હેલ્પલાઇન અને માર્ગદર્શન સેન્ટરો શરૂ કરવા., અધિકાર યાત્રાઃ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી ૨૭ ટકા અનામતના અમલીકરણની સમીક્ષા કરવી અને અન્યાય સામે અવાજ ઉઠાવવો., બજેટમાં હિસ્સોઃ રાજ્ય સરકાર ૫૨ ટકા ઓ.બી.સી. વસ્તી માટે બજેટમાં પણ ૨૭ ટકા નાણાકીય જોગવાઈ કરે તેવી માંગણી કરવી. યુવા નેતૃત્વઃ શિક્ષિત ઓ.બી.સી. યુવાનોને રાજકારણમાં સક્રિય કરી નવી પેઢીનું નેતૃત્વ તૈયાર કરવું.
આ પ્રસંગે ગજાનન મહારાજના સંત મુકેશભાઈ દેસાઈ અને કાગદડી આશ્રમથી પૂજ્ય રઘુવીરદાસજી બાપુએ ડો. મહેશભાઈને આશીર્વાદ આપતા સેવા અને નૈતિકતાના માર્ગે ચાલવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં ચંદનજી ઠાકોર અને જીવણભાઈ કુંભારવાડિયાનું 'રાષ્ટ્રીય સંયોજક' તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. સેવાદળના લાલજીભાઈ દેસાઈ અને ઋત્વિકભાઈ મકવાણા સહિતના અનેક અગ્રણીઓએ ડો. મહેશભાઈ રાજપૂતના નેતૃત્વમાં સંગઠન વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
