<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ભાજપ એપ્રિલના અંતમાં ચૂંટણી યોજવા પણ વિચારી શકે

એપ્રિલમાં વસ્‍તી ગણતરીના પગલે નવા સીમાંકનનો લાભ લેવા તૈયારીઃ વિધાનસભા સત્ર પૂર્ણ થતા જ મહાનગરપાલિકા અને જિલ્‍લા પંચાયતની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ શકે છે : રાજકીય પક્ષોમાં ટિકિટ ફાળવણી અને આંતરિક જૂથવાદ વચ્‍ચે માઈક્રો પ્‍લાનિગ શરૂઃ એપ્રિલ - મે માં જંગ જામવાની શક્‍યતા

રાજકોટઃ ગુજરાતમાં મતદાર સુધારણાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે સૌની નજર મહાનગરપાલિકા અને જિલ્‍લા પંચાયતની ચૂંટણીઓ પર ટકેલી છે. અત્‍યારે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી આચારસંહિતા લાગુ થઈ નથી, પરંતુ જાણકાર વર્તુળોના મતે આગામી ૨૫મી માર્ચે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ ગમે ત્‍યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. જો પક્ષ નવા સીમાંકનનો લાભ લેવા ન માંગે તો એપ્રિલના અંતમાં જ ચૂંટણી યોજાય તેવી પૂરેપૂરી શક્‍યતા છે.

 વસ્‍તી ગણતરી અને ચૂંટણીનું ગણિત બીજી તરફ એવી પણ ચર્ચાઓએ જોર પકડ્‍યું છે કે એપ્રિલ મહિનામાં વસ્‍તી ગણતરી શરૂ થનાર છે, જે ૧૯ મેના રોજ પૂર્ણ થશે. જો ભાજપ સરકાર નવા સીમાંકનનો લાભ લેવા ઈચ્‍છતી હોય તો ચૂંટણી મે મહિનાના અંત સુધી પણ ખેંચાઈ શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ચૂંટણી પંચ ગમે ત્‍યારે જાહેરાત કરે તે માટે સજ્જ હોવાનું જણાય છે.

પક્ષોની તૈયારી અને પડકારો  ભાજપઃ ભાજપ આ વખતે પણ ફેવરેટ માનવામાં આવી રહ્યું છે. પક્ષે બુથ લેવલ સુધી હોમવર્ક શરૂ કરી દીધું છે. આંતરિક વિખવાદ કે નારાજગી હોવા છતાં ભાજપ 'આફતને અવસરમાં' ફેરવવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ૧૮ વોર્ડની ૭૨ બેઠકો જીતવા માસ્‍ટર પ્‍લાન તૈયાર છે.

 કોંગ્રેસ અને આપઃ વિરોધ પક્ષો માટે સૌથી મોટો પડકાર લોકોમાં વિશ્વાસ કેળવવાનો છે. ગત ચૂંટણીમાં પછડાટ બાદ કોંગ્રેસની નિષ્‍ક્રિયતા પ્રજાને સ્‍પર્શી ગઈ છે, જ્‍યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા પણ આગળ નીકળવાના પ્રયાસો કરી રહી છે. બંને પક્ષોમાં ટિકિટ મુદ્દે આંતરિક પ્રશ્નો યથાવત છે.

 લોક પ્રશ્નો અને ભરોસો  મહાનગરપાલિકાની ચૂંટણી હોવાથી સામાન્‍ય જનતાના પાયાના પ્રશ્નોને કયો પક્ષ યોગ્‍ય રીતે વાચા આપે છે તેના પર પરિણામોનો આધાર રહેશે. રાજકીય તજજ્ઞોના મતે કાર્યકરથી લઈ ટોચના નેતાઓ સુધીના તમામ લોકો હાલ ચૂંટણીના કામે લાગી ગયા છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ એપ્રિલમાં જંગ જાહેર કરે છે કે મે મહિનાના અંત સુધી રાહ જોવડાવે છે.

(4:32 PM IST)