ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
નર્મદા જિલ્લાને રૂ. 302 કરોડના ખર્ચે 2 નવા પુલ મળશે: MLA ડો. દર્શનાબેન દેશમુખની રજૂઆત રંગ લાવી
પરિક્રમાવાસીઓને મોટી રાહત: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં 17 કિમીનો ફેરો ઘટશે, સમય અને ઈંધણની બચત થશે: શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને ચોમાસા દરમિયાન નદી ઓળંગવામાં કે અવરજવર કરવામાં પડતી મુશ્કેલીઓનો હવે અંત આવશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા અને અંતરિયાળ ગામોને મુખ્ય મથકો સાથે જોડવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લામાં બે નવા મોટા પુલના નિર્માણ માટે કુલ રૂ. 302.40 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ નિર્ણયથી જિલ્લાના 11 જેટલા ગામોના આશરે 18 હજારથી વધુ લોકોને સીધો ફાયદો થશે.
ધારાસભ્યના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારે નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ સુધીના પુલ માટે રૂ.123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે રૂ. 179.27 કરોડની મંજૂરી આપી છે. આ બંને પુલ બની જવાથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ જેવા ગામો વચ્ચેના પરિવહનમાં મોટી સુગમતા આવશે.
આ વિસ્તારના ગ્રામજનોને અત્યાર સુધી જિલ્લા મુખ્ય મથક કે તાલુકા મથકે પહોંચવા માટે લાંબો ફેરો ફરવો પડતો હતો. ખાસ કરીને શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને ચોમાસા દરમિયાન નદી ઓળંગવામાં કે અવરજવર કરવામાં પડતી મુશ્કેલીઓનો હવે અંત આવશે. પાકા રસ્તા અને પુલની સુવિધા મળવાથી વિદ્યાર્થીઓ સરળતાથી શિક્ષણ સંસ્થાઓ સુધી પહોંચી શકશે.
નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે આવે છે. આ બંને પુલના નિર્માણથી પરિક્રમાના રૂટમાં આશરે 17 કિલોમીટર જેટલું અંતર ઓછું થશે. જેના કારણે પરિક્રમાવાસીઓના સમયની સાથે ઈંધણની પણ મોટી બચત થશે. આવતા વર્ષે થનારી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને આ સુવિધાનો લાભ મળવાની શક્યતા સેવાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
