News of Thursday, 26th February 2026
ગૌમાંસની હેરફેર કરનારાઓ સામે આકરા પગલાઃ ૧૮૪ શખ્સો ‘પાસા'માં ધકેલાયા
ગૌ સંરક્ષણ માટે સરકાર કટીબધ્ધઃ કૌશિક વેકરિયા

રાજકોટ, તા. ર૬: ગુજરાત વિધાનસભામાં મહીસાગર અને અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ અને ગૌવંશની ગેરકાયદે હેરફેરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ ગળહને સરકારની કડક કામગીરીથી અવગત કરાવ્યા હતા.
રાજ્યવ્યાપી કામગીરીનો ચિતાર રજૂ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં કુલ ૬૨૯ ગુનાઓ નોંધી ૧,૮૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આશરે ૫૪,૦૦૦ કિલો ગૌમાંસ અને ૧,૮૦૦ ગૌવંશને કતલખાને જતા બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૪૩૩ વાહનો જપ્ત કરી તે પૈકી ૩૩૯ વાહનોની હરાજી પણ કરવામાં આવી છે.
ગૌવંશ હેરફેર કરતા તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં તરીકે ૧૮૪ ઇસમો વિરુદ્ધ પાસા (PASA) અને ૫૦ ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરાઈ છે. રાજ્યમાં આશરે ૬ કરોડ રૂપિયાની ૩૯ મિલકતો પર ‘દાદાનું બુલડોઝર' ફેરવી દેવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે, ગાય એ આપણી સંસ્કળતિમાં માત્ર પશુ નથી, પરંતુ માતા સમાન પૂજનીય છે, જેમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. રાજ્ય સરકાર આવા ગુનાઓમાં કડકમાં કડક સજા અપાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટરની પણ નિમણૂક કરી રહી છે, જેથી આરોપીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં ન આવે.
ગૌવંશ સંરક્ષણના કાયદા હેઠળ અમરેલી જિલ્લામાં થયેલી કડક કાર્યવાહી અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કુલ ૧૨ ગુનાઓમાં ૨૧ આરોપીઓને જેલની સજા અને રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ૩ આરોપીઓને આજીવન કેદ, ૧૧ આરોપીઓને ૧૦ વર્ષની કેદ અને ૩ આરોપીઓને ૦૭ વર્ષની કેદની સજા કરવામાં આવી છે. તદુપરાંત, આ આરોપીઓ પાસેથી કુલ રૂ. ૪૨ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
