<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો

કોંગ્રેસ અને આપ ના ૧૦૦૦ થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કરી ભાજપામાં જોડાયા:આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાની બે બાજુ છે: આદિવાસી વિસ્તારોનો સાચો વિકાસ મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના ‘સુવર્ણયુગ’માં જ શક્ય બન્યો છે - હર્ષભાઈ સંઘવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતાં. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન ઇન્ચાર્જ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા, રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ સહિત સ્થાનિક ભાજપા આગેવાનો, આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભગવાન બિરસા મુંડાને વંદન કરી વિશાળ આદિવાસી સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની અતૂટ દેશભક્તિ ખરેખર વંદનીય છે. આજની ૨૫ વર્ષની યુવા પેઢીએ તો માત્ર ગુજરાતમાં ભાજપ અને શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ‘સુવર્ણયુગ’ જ જોયો છે, તેમને અગાઉના અન્યાયનો અંદાજ નથી. વડીલો સાક્ષી છે કે કોંગ્રેસના શાસનમાં રસ્તાઓ પર ખાડા નહીં પણ ખાડાઓમાં રસ્તા શોધવા પડતા હતા. આદિવાસી વિસ્તારોમાં રોડ-રસ્તા કે વીજળી પહોંચાડવાની કોઈ દાનત જ નહોતી. કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે આદિવાસી, દલિત અને ખેડૂતોની વાતો કરીને મતો લૂંટતી હતી, જ્યારે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આવ્યા પછી જ આદિવાસી વિસ્તારના છેવાડાના ગામોમાં શિક્ષણ, આરોગ્ય અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ પહોંચી છે. આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાની બે બાજુ છે. આદિવાસી વિસ્તારોનો સાચો વિકાસ મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના ‘સુવર્ણયુગ’માં જ શક્ય બન્યો છે.
રાજ્ય સરકારના બજેટ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ વર્ષે બજેટમાં આદિવાસી અને વંચિતો માટે અનેક નૂતન આયામો ખોલ્યા છે. હવે આદિવાસી વિસ્તારોમાં નવા ટાવરો ઉભા કરવામાં આવશે, જેથી નાનકડા ગામડાઓમાં પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે.
ભાગલાવાદી અને તુષ્ટિકરણની રાજનીતિ છોડી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહેલી વિકાસની રાજનીતિથી પ્રેરાઈને કોંગ્રેસ અને આપના ૧૦૦૦ થી વધુ કાર્યકર્તા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપ’ના પૂર્વ ઉમેદવાર ડૉ. પ્રફુલભાઈ વસાવા, એડવોકેટ રાજ વસાવા, કોંગ્રેસના આગેવાન અનવરભાઈ વસાવા અને શ્યામસિંહ વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરોનું ભાજપાનો કેસરિયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. 

  આગામી સમયમાં ડબલ એન્જિનની સરકારના નેતૃત્વમાં આદિવાસી સમાજ વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ હર્ષભાઈ સંઘવીએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા અને રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું

  AAP નેતા નિરંજનભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું કે નર્મદા જિલ્લાના AAPનો એકપણ કાર્યકર્તા ભાજપમાં જોડાયો નથી,ભાજપ દ્વારા 200 કાર્યકર્તાઓ જોડાયા હોવાનો દાવો સંપૂર્ણપણે પાયા વિહોણા છે, સાથે સાથે દસમા અને બારમાની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ છે. ડેડિયાપાડા વિસ્તારમાં જ્યાં કાર્યક્રમન કર્યો ત્યાં આશરે 6 થી 7 હાઈસ્કૂલો આવેલી છે. આવી પરિસ્થિતિમાં બેન્ડ સાથે રોડ શો અને કાર્યક્રમો કરવામાં આવ્યા, જેના કારણે વિદ્યાર્થીઓને આવવા-જવામાં તકલીફ પડી અને ઘણા વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થયા.

(10:19 PM IST)