<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ગાંધીનગર ૩૦ લાખની લાંચ લેનારા સી.આઈ.ડી. ક્રાઈમના પોલીસ ઈન્સ્પેક્ટરની જામીન અરજી કોર્ટે ફગાવી

ભ્રષ્ટાચારના ગુનામાં જેલવાસ ભોગવતા પેથાભાઈ કરમશીભાઈ પટેલના આફ્ટર ચાર્જશીટ રેગ્યુલર જામીન સેશન્સ કોર્ટે કર્યા નામંજૂર; સરકાર પક્ષની ધારદાર રજૂઆતો ગ્રાહ્ય રખાઈ

ગાંધીનગર : ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. ૩૦,૦૦,૦૦૦/- ની લાંચના ચકચારી કેસમાં મુખ્ય આરોપી અને સી.આઈ.ડી. ક્રાઈમના પોલીસ ઈન્સ્પેક્ટર પેથાભાઈ કરમશીભાઈ પટેલને મોટો આંચકો લાગ્યો છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટે આરોપીની આફ્ટર ચાર્જશીટ રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો મહત્વનો હુકમ કર્યો છે.
કેસની વિગત અને ગુનાની ગંભીરતા
ગાંધીનગર એ.સી.બી. દ્વારા તા. ૧૫/૧૨/૨૦૨૫ ના રોજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી નં. (૧) તરીકે પેથાભાઈ કરમશીભાઈ પટેલ (પોલીસ ઈન્સ્પેક્ટર, વર્ગ-૨, સી.આઈ.ડી. ક્રાઈમ, સી.આઈ. સેલ યુનિટ-૩, ગાંધીનગર) અને આરોપી નં. (૨) તરીકે વિપુલકુમાર બાબુભાઈ દેસાઈ (આર્મ પો. કોન્સ., વર્ગ-૩, સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગર) સામેલ હતા. આ બંને સામે રૂ. ૩૦ લાખની મસમોટી લાંચ લેવાનો આરોપ છે.
કોર્ટમાં થયેલી કાયદાકીય કાર્યવાહી
ચાર્જશીટ રજૂ થયા બાદ, આરોપી પેથાભાઈ પટેલે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ક્રિ. પ. અરજી નં. ૨૬૨/૨૦૨૬ થી રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. આ જામીન અરજીનો વિરોધ કરવા માટે તપાસ કરનાર અધિકારી દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. તા. ૨૪/૦૨/૨૦૨૬ ના રોજ સરકાર પક્ષે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર હિતેશ રાવલ દ્વારા ધારદાર અને કાયદાકીય રજૂઆતો કરવામાં આવી હતી.
કોર્ટનો ચુકાદો
સરકાર પક્ષની દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા, તા. ૨૬/૦૨/૨૦૨૬ ના રોજ સેશન્સ કોર્ટ, ગાંધીનગર દ્વારા આરોપી પોલીસ ઈન્સ્પેક્ટર પેથાભાઈ કરમશીભાઈ પટેલના આફ્ટર ચાર્જશીટ રેગ્યુલર જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આ ચુકાદાથી ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(7:23 PM IST)