<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

શોખ બડી ચીજ હૈઃ ૬ કરોડની લેમ્‍બોર્ગિનીનો ૦૦૦૧ નંબર લેવા રૂા.૧૩.૮૧ લાખ ખર્ચ્‍યા

કારની હરાજીમાં ૯૯૯૯ નંબર માટે ૩.૬૨ લાખ ખર્ચી નાંખ્‍યા : બિઝનેસમેન કારમાલિકે ૦૦૦૧ નંબર માટે સર્વોચ્‍ચ બોલી લગાવી

સુરત,તા.૩: સુરત એટલે શોખિનોનું શહેર. અહીંના લોકો જ્‍યારે કોઈ વસ્‍તુ પાછળ ઘેલા થાય છે, ત્‍યારે કિમતના આંકડા ગૌણ બની જતા હોય છે. આવી જ એક ઘટના સુરત RTO ખાતે બની હતી. આરટીઓમાં નવી 'JX' સિરીઝ ના ફેન્‍સી નંબરો માટે યોજાયેલી હરાજીમાં કચેરીના જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. કેમકે, પોતાની ડ્રીમ લેમ્‍બોર્ગિની કાર માટે યશ્વી ફાઉન્‍ડેશનના પરેશ ખંડેલવાલે ‘૦૦૦૧' નંબર મેળવવા રૂપિયા ૧૩,૮૧,૦૦૦ની જંગી બોલી લગાવી સુરત RTOના ઇતિહાસનું નવું પ્રકરણ લખ્‍યું છે.

સોમવારે સુરત આરટીઓ દ્વારા ફોર વ્‍હીલરની નવી JX સિરીઝ માટે યોજાયેલી હરાજીમાં સુરતીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, શોખ પાછળ ખર્ચ કરવામાં તેઓ ક્‍યારેય પાછીપાની કરતા નથી. નવી JX સિરીઝમાં સૌથી વધુ આકર્ષણ ૦૦૦૧ નંબરનું હતું. આ નંબર મેળવવા માટે અનેક દિગ્‍ગજો મેદાનમાં હતા. પરંતુ શહેરના એક બુઝનેસમેને તમામ અટકળો પર પૂર્ણ-વિરામ મૂકી પોતાની ૬ કરોડથી વધુની કિંમતની કારના ૦૦૦૧ નંબર માટે ૧૩.૮૧ લાખ રૂપિયાની બોલી લગાવીને આ નંબર ૧૩.૮૧ લાખ રૂપિયામાં એક મધ્‍યમવર્ગીય પરિવાર પ્રીમિયમ સેડાન કે SUV કાર ખરીદી શકે છે. તેમણે ૦૦૦૧ નંબર માટે અધધ ૧૩.૮૧ લાખ રૂપિયા ખર્ચી નાંખ્‍યા હતા. આરટીઓ વર્તુળોમાં ચર્ચા છે કે. અગાઉ ક્‍યારેય કોઈ એક નંબર માટે આટલી મોટી રકમની ઓફર આવી નથી. જોકે, માત્ર સિગલ ડિજિટ નંબર જ નહીં, પણ અન્‍ય ફેન્‍સી નંબરો માટે પણ ઓટોમોબાઈલ પ્રેમીઓ વચ્‍ચે ભારે રસાકસી જોવા મળી હતી. નંબર ‘૯૯૯૯' ૩,૬૨,૦૦૦ ખર્ચીને લીધો હતો. જયારે જેમ્‍સ બોન્‍ડ સ્‍ટાઈલ ‘૦૦૦૭' નંબર માટે ૩,૦૧,૦૦૦ ની બોલી લગાવાઈ હતી.

ટોપ ટેન નંબર

ફેન્‍સી નંબર      કિંમત

GJ-05-JX-0001  13,81,000

GJ-05-JX-9999  3,62,000

GJ-05-JX-0007  3,01,000

GJ-05-JX-1234  2,83,000

GJ-05-JX-9119  81,000

GJ-05-JX-0005  70,000

GJ-05-JX-7000  65,000

GJ-05-JX-1000  61,000

GJ-05-JX-0006  55,000

GJ-05-JX-0012  42,000

 

 

(10:12 AM IST)