<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ગુજરાતમાં અનામતના નવા સમીકરણો ભાજપ-કોંગ્રેસની ઊંઘ ઉડાડશે

ગુજરાત સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઃ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્‍લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીના સમીકરણોને ધરમૂળથી બદલી નાખશે અત્‍યાર સુધી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં OBC ઉમેદવારો માટે ૧૦% બેઠકો અનામત હતી, જે હવે વધીને ૨૭% થઈ ગઈ છેઃ આને કારણે મોટી સંખ્‍યામાં વર્તમાન કાઉન્‍સિલરો અને પંચાયત સભ્‍યોએ OBC ઉમેદવારો માટે જગ્‍યા ખાલી કરવી પડશે

અમદાવાદ,તા.૫: ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરતું જાહેરનામું આ મહિનાના અંતમાં બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે. આ વખતે ઘણી જગ્‍યાએ અન્‍ય પછાત વર્ગો OBC ક્‍વોટા, બેઠકોનું રોટેશન અને મહિલા અનામતથી સમીકરણો બદલાશે

મળતી વિગત પ્રમાણે,OBC માટે ૨૭%  અનામતનો અમલ, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારો માટે અનામત બેઠકોનું રોટેશન,  તમામ બેઠકો પર મહિલાઓ માટે ૫૦% અનામત આગામી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્‍લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીના સમીકરણોને ધરમૂળથી બદલી નાખશે.સૂત્રોના જણાવ્‍યા અનુસાર, OBC અનામત, SC-ST બેઠકોનું ત્રીજું રોટેશન અને ૫૦% મહિલા અનામતના પરિણામે મોટાભાગના વર્તમાન (સીટિગ) ઉમેદવારો બદલાય તેવી શક્‍યતા છે.

અત્‍યાર સુધી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં OBC ઉમેદવારો માટે ૧૦% બેઠકો અનામત હતી, જે હવે વધીને ૨૭% થઈ ગઈ છે. આને કારણે મોટી સંખ્‍યામાં વર્તમાન કાઉન્‍સિલરો અને પંચાયત સભ્‍યોએ OBC ઉમેદવારો માટે જગ્‍યા ખાલી કરવી પડશે.

૨૦૨૧ની વસ્‍તી ગણતરી કોવિડ-૧૯ ને કારણે ન થઈ હોવાથી, ૨૦૧૧ની વસ્‍તી ગણતરીના આધારે જ બેઠકોનું ત્રીજું રોટેશન કરવામાં આવશે. મહાનગરપાલિકાઓમાં ૨૦૧૫ અને ૨૦૨૧માં બે રોટેશન થઈ ચૂક્‍યા છે, હવે ત્રીજા રાઉન્‍ડને કારણે રાજકીય પક્ષોએ નવા ઉમેદવારો શોધવા પડશે.

નવ નવી રચાયેલી મહાનગર પાલિકાઓમાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે. અહીં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને નવા વોર્ડની રચના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર ઉપરાંત નવી બનેલી ૯ મહાનગરપાલિકાઓ નડિયાદ, સુરેન્‍દ્રનગર, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, પોરબંદર અને મહેસાણામાં ચૂંટણી યોજાશે.

(11:40 AM IST)