તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
સુરત S.O.G. ની હોળી-ધુળેટી પૂર્વે મોટી કાર્યવાહી: પાંડેસરામાં ભેળસેળિયા પનીરના કારખાના પર દરોડો પાડી સંચાલક મહેશકુમાર શર્માની અટકાયત :જુઓ વિડીયો
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ ૧૪૦૧ કિલો શંકાસ્પદ પનીર સહિત ₹૨૮.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત; ફુડ એન્ડ સેફટી અધિકારી જે.એસ. દેસાઈ અને ટી.એસ. પટેલની હાજરીમાં લેવાયા સેમ્પલ

સુરત: સુરત શહેરમાં આગામી હોળી-ધુળેટીના તહેવારો દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા ખાધ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (S.O.G.) દ્વારા પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ પનીર બનાવતા એક મોટા કારખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
બાતમીના આધારે દરોડો અને મુદ્દામાલની જપ્તી
નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સોનારાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પો.સ.ઈ. એમ.ડી. સરવૈયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંડેસરાની ભીડભંજન સોસાયટી, ગાળા નંબર-૨૭૮ ખાતે રેડ કરવામાં આવી હતી. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના જવાનો તથા સુરત મહાનગરપાલિકાના ફુડ એન્ડ સેફટી વિભાગના અધિકારીઓ જે.એસ. દેસાઈ અને ટી.એસ. પટેલ જોડાયા હતા.
તપાસ દરમિયાન સ્થળ પરથી કારખાનાના સંચાલક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા (ઉ.વ. ૪૦, રહે. અલથાણ, મૂળ રહે. ઉદયપુર, રાજસ્થાન) મળી આવ્યા હતા. પોલીસને અહીંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો છે:
* શંકાસ્પદ લુઝ પનીર: ૧૪૦૧ કિલોગ્રામ (કિંમત ₹૩,૦૮,૨૨૦/-).
* મશીનરી: પેશ્ચરાઇઝ મશીન, હોમોનાઈઝર અને વેન્યુરી મશીન સહિત કુલ ₹૨૫,૦૦,૦૦૦/- ની મશીનરી.
* તેલનો જથ્થો: પામોલીન તેલના ૧૬ ભરેલા ડબ્બા (કિંમત ₹૩૫,૨૦૦/-) અને ૨૮ ખાલી ડબ્બા.
* અન્ય સામગ્રી: ૧૦૦૦ પ્લાસ્ટિકની થેલીઓ, ૩૦૦૦ નંગ "NON BRAND LOOS ANALOUGE PANEER" લખેલા સ્ટીકર અને એસીડીક એસીડ.
આમ, કુલ ₹૨૮,૪૪,૧૭૦/- ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બે વર્ષથી ચાલતું હતું કૌભાંડ
પકડાયેલા આરોપી મહેશકુમાર શર્માની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી છેલ્લા બે વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યો હતો અને રોજનું આશરે ૪૦૦ કિલો જેટલું ભેળસેળિયું પનીર બનાવીને અલગ-અલગ ડેરીઓમાં જથ્થાબંધ તથા છૂટક વેચાણ કરતો હતો. તે લુઝ પનીર બનાવી, કોથળીમાં પેક કરી તેના પર 'એનાલોગ પનીર'ના સ્ટીકર લગાવી પ્રતિ કિલો ₹૨૨૦/- ના ભાવે વેચતો હોવાની કબૂલાત કરી છે.
આગળની કાર્યવાહી
ફુડ સેફટી ઓફિસર દ્વારા શંકાસ્પદ પનીરના જથ્થાને સીલ કરી તપાસ માટે જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને પૃથ્થકરણ (લેબોરેટરી ટેસ્ટ) માટે મોકલી આપવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર કામગીરીમાં એ.એસ.આઈ. યુવરાજસિંહ સામંતસિંહ, હર્ષદભાઈ મંગળુભાઈ, ભાવિકકુમાર રમેશભાઈ તથા અ.હે.કો. જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ, જગશીભાઈ શાંતિભાઈ, અસલમ ઇદ્રીશ અંસારી અને જીતેન્દ્રસિંહ રણજીતસિંહ જોડાયા હતા.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
