News of Friday, 6th March 2026
સુરત એરપોર્ટ પર ‘પોર્ટુગીઝ' બનેલો સૌરાષ્ટ્રવાસી ઝડપાયો

સુરત તા.૬: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે વિદેશી નાગરિકતાના બોગસ દસ્તાવેજોના આધારે મુસાફરી કરતા એક ઠગની ધરપકડ કરી છે. સૌરાષ્ટ્રનો વતની અને હાલ સરથાણામાં રહેતો ખેડૂત પોર્ટુગલનો પાસપોર્ટ બનાવી કલ્પેશકુમાર બાભણિયાા બનીને ફરતો હતો, બેંગકોકથી સુરત પહોંચેલી ફલાઇટના ચેકિગ દરમિયાન તેની પોલ ખૂલી ગઈ હતી.
ડુમસ પોલીસ દ્વારા ઘટનાની વિગત એવી છે કે, ગત સોમવારે બેંગકોકથી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફલાઈટમાંથી સુરત એરપોર્ટ પર ઉતરેલા એક મુસાફર પાસે પોર્ટુગલનો પાસપોર્ટ હતો, જેમાં નામ ‘બાભણિયા કલ્પેશકુમાર રતિલાલ' હતું. બેંગકોક ઇમિગ્રેશને હોટલ બુકિંગ અને પૂરતા નાણાં ન હોવાથી તેને ભારત પરત મોકલ્યો હતો. સુરત એરપોર્ટ પર સિનિયર ઈ મિગ્રેશન ઓફિસર સુંદરગીરી ચંદનગીરીને તેના શંકા જતાં કરેલી
તપાસ દરમિયાન સામે આવ્યું કે આ શખ્સ પોર્ટુગીઝ નાગરિક નહીં, પણ અમરેલીના ધારી તાલુકાના કમી કેરાળા ગામનો વતની ભાવેશભાઈ ધીરજલાલ બોરડ (ઉ.વ. ૪૯) છે. એ ૨૦૧૯માં ભારતીય પાસપોર્ટ પર ટૂરિસ્ટ વિઝાથી પોર્ટુગલ ગયો હતો. ત્યાં કોઈ એજન્ટની મદદથી ખોટા દસ્તાવેજો ઊભા કરી કલ્પેશકુમાર નામે પોર્ટુગલની સિટીઝનશિપ અને પાસપોર્ટ મેળવી લીધો હતો. આ બોગસ પાસપોર્ટના આધારે તેણે ભારતના ઈ-ટૂરિસ્ટ વિઝા મેળવી અનેકવાર મુંબઈ અને સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી હતી. ઈમિગ્રેશન ઓફિસરની ફરિયાદને આધારે ડુમસ પોલીસે ભાવેશ બોરડ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. મૂળ કમી કેરાળા ગામનો વતની હાલ સરથાણા રહેતા ભાવેશ બોરડે એજન્ટ દ્વારા બોગસ પાસપોર્ટ અને સિટીઝનશિપ મેળવી હતી. જયાં પોર્ટુગીઝના લિસ્બન શહેરમાં રહીને ખેતી કરવા લાગ્યો હતો.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
