<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

‘ટીકીટ બારી' પર લાઇન લગાડી ‘માહોલ' સર્જવાનો ભાજપનો વ્‍યુહ

નેતાજી, મારા હૈયામાં ભાજપની ભકિત ભરી દેજો, નામ મારુ ટીકીટની યાદીમાં જડી દેજો, ‘ગોડ ફાધર' વિના રાજકારણમાં કોઇ નથી મારુ, હાથ મારો ઝાલી લેજો, મને ઉમેદવાર બનાવી દેજો : વ્‍યકિતગત ક્ષમતા, જ્ઞાતિ, ભૂગોળ, સિનિયોરીટી, સ્‍થાનિક સમીકરણો વગેરે મુદ્દા ધ્‍યાને લેવાશેઃ સેન્‍સ વખતે અંદર-બહારની પરિસ્‍થિતિનો તાગ મેળવાશે પ્‍લીઝ, મને ટીકીટ આપો... મારો છે વારો, હું સૌથી સારો, બની રહીશ તમારો

રાજકોટ, તા. ૬: ગુજરાતમાં નગરો, મહાનગરો, તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થવાના દિવસો ગણાય રહયા છે. પંચાયતથી પાર્લામેન્‍ટ સુધી શાસન સંભાળતા ભાજપમાં સ્‍થાનિક ચૂંટણીઓની તૈયારી થઇ રહી છે. આ ચૂંટણીઓના પરિણામની રાજયમાં સતા ક્ષેત્રે કોઇ ફેર પડશે નહિ પણ સમગ્ર રાજયને સ્‍પર્શતો જનાદેશ હોવાથી તેની રાજકીય અસર નોંધપાત્ર પડશે. ભાજપ દ્વારા રાબેતા મુજબ સેન્‍સ પ્રક્રિયા થશે. સેન્‍સ વખતે ટીકીટ ઇચ્‍છતા દાવેદારો મોટી સંખ્‍યામાં ઉમટી પડે અને તે દ્રશ્‍યોથી માહોલ ભાજપ તરફી હોવાનો ખ્‍યાલ ઉપસાવવાનો ભાજપનો વ્‍યુહ હોવાનું આધારભૂત વર્તુળો જણાવે છે. ટીકીટ ફાળવણી પાર્ટીના માપદંડ આધારિત થશે પણ ચૂંટણી લડવા કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્‍સાહ છે તેવુ દેખાડવાનો પ્રયાસ છે.

ગુજરાત ભાજપનો ગઢ હોવાથી કમળના નિશાન પર ચૂંટણી લડવાનું કાર્યકરોને આકર્ષણ રહે તે સ્‍વાભાવિક છે. ચૂંટણી પહેલા જે માહોલ બને તેની પ્રચાર અને મતદાન પર મોટી અસર રહે છે. દાવેદારોની સંખ્‍યા અમર્યાદિત અને ટીકીટની સંખ્‍યા મર્યાદિત હોવાથી મોટાભાગના દાવેદારોને અસંતોષ રહે તે એક અલગ વાત છે. પણ દાવેદારોની સંખ્‍યા ખૂબ મોટી દેખાયત તે વ્‍યુહરચનાનો ભાગ છે.

ટીકીટ માટે પાર્ટી પ્રત્‍યેની નિષ્‍ઠા, વફાદારી (?), કાર્યક્ષમતા, વ્‍યકિતગત પ્રતિભા, જ્ઞાતિ, ભૂગોળ વગેરે સતાવાર માપદંડ છે. આ માપદંડમાં બાંધછોડ કરીને ટીકીટ આપવાનું અશકય નથી. અમૂક ટીકીટોમાં ‘સારા-સારા'ના બદલે ‘મારા-તારા'નો માપદંડ રહેતો હોવાનું ભૂતકાળમાં બનેલુ છે.

સેન્‍સ વખતે ટીકીટ માટેની દાવેદારી ઉપરાંત જુથવાદ, વ્‍યકિતગત ગમા-અણગમા, સ્‍થાનિક રાજકીય પરિસ્‍થિતિ વગેરે બાબતો સામે આવતી હોય છે.

ભાજપ વિકાસના મુદા પર ચૂંટણી લડવા માંગે છે. કેન્‍દ્ર અને રાજય સરકારે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રો માટે કરેલ વિકાસકામો અને યોજનાઓની માહિતી પ્રચારમાં અગ્રસ્‍થાને રહેશે. રાજયમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્‍ય પક્ષો તથા અપક્ષો મેદાનમાં આવશે.

 

(11:31 AM IST)