News of Friday, 6th March 2026
અંબાલાલ પટેલે કરી માવઠાની મોટી આગાહી
ગુજરાતીઓ સાવધ! ઉનાળામાં સર્જાશે ચોમાસા જેવો માહોલ માર્ચના બીજા પખવાડિયામાં વાતાવરણમાં આવશે પલટોઃ કાળઝાળ ગરમી વચ્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટી અને કરા સાથે વરસાદની શક્યતા

અમદાવાદઃ રાજયમાં અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને સૂર્યનારાયણ પ્રકોપ દેખાડી રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક ચોંકાવનારી વાત કરતા જણાવ્યું છે કે, આ વર્ષે ઉનાળાની સીઝનમાં જ ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે. માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, ૧૬ થી ૨૦ માર્ચ અને ત્યારબાદ ૨૪ માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીને કારણે રાજયના વાતાવરણમાં પલટો આવશે. આ દરમિયાન માત્ર પવન જ નહીં, પરંતુ ગાજવીજ સાથે વરસાદ અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના છે.
એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ ગરમી પણ પોતાનું જોર બતાવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે ‘યલો એલર્ટ' પણ જાહેર કરવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલની આ આગાહીને પગલે ખેડૂતોમાં ફરી ચિંતા પ્રસરી છે. જો માર્ચના અંતમાં માવઠું થાય, તો ખેતરમાં ઉભેલા રવિ પાકને મોટું નુકસાન થઈ શકે છે. આથી ખેડૂતોને સાવચેતી રાખવા અને આયોજનપૂર્વક કામ લેવા સૂચન કરવામાં આવ્યું છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
