News of Saturday, 7th March 2026
વડોદરામાં રક્તરંજિત સવાર: આજવા રોડ પર આઇસર ટ્રકની અડફેટે તેજસ્વી વિદ્યાર્થિનીનું કમકમાટીભર્યું મોત, સસરાની નજર સમક્ષ જ પુત્રવધુએ દમ તોડ્યો
ભારે વાહનોના પ્રતિબંધ છતાં બેફામ દોડતા ટ્રકે લીધો જીવ; ૩ કલાક સુધી માર્ગ પર પડી રહ્યો મૃતદેહ, તંત્રની ઘોર બેદરકારી સામે પરિવારનો ભારે આક્રોશ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના આજવા ચોકડી વિસ્તારમાં આજે સવારે એક કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ૩૧ વર્ષીય પ્રિન્સા પરમાર નામની યુવતીનું આઇસર ટ્રકની ઠેકરે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રિન્સાને યુનિવર્સિટી મૂકવા જઈ રહેલા તેના સસરાની નજર સામે જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
CCTVમાં કેદ થઈ કાળની ઠેકર
મળતી માહિતી મુજબ, પ્રિન્સા તેના સસરા સાથે બાઇક પર યુનિવર્સિટી જઈ રહી હતી ત્યારે એક પૂરપાટ ઝડપે આવતા આઇસર ટ્રકે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર દુર્ઘટનાના રૂંવાટા ઉભા કરી દે તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત બાદ સસરા તો બચી ગયા પરંતુ વ્હાલસોયી પુત્રવધુ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફસડાઈ પડી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
તંત્રની નિર્દયતા: ૩ કલાક સુધી રઝળ્યો મૃતદેહ
અકસ્માત બાદ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. મૃતકના પરિવારજનોએ હૈયાફાટ રુદન સાથે આક્ષેપ કર્યો છે કે અકસ્માતના ત્રણ કલાક સુધી પ્રિન્સાનો મૃતદેહ રસ્તા પર જ પડ્યો રહ્યો હતો. વારંવાર જાણ કરવા છતાં એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી અને કલાકો સુધી મૃતદેહ પર માખીઓ બબડતી રહી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. સયાજી હોસ્પિટલ ખાતે જ્યારે મૃતદેહ પહોંચ્યો ત્યારે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
પ્રતિબંધિત સમયે ટ્રક ક્યાંથી આવ્યો?
મૃતકના ભાઈએ તંત્ર સામે આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું કે, "સવારે ૯ વાગ્યા પછી આજવા રોડ ચોકડી વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે, તો પછી આ ટ્રક અહીં આવ્યો કેવી રીતે?" જો પોલીસ અને ટ્રાફિક તંત્રએ નિયમોનું કડક પાલન કરાવ્યું હોત, તો આજે એક ઘરનો ચિરાગ ન બુઝાયો હોત. હાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ વડોદરામાં ટ્રાફિક નિયમોના અમલીકરણ પર મોટા સવાલો ઊભા કર્યા છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
