<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

રાજકોટમાં ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો: "જેમની ૭ વાર વિકેટ પડી છે, તેઓ ભાજપને હરાવવા નીકળ્યા છે!", જીતુભાઈ વાઘાણીના કોંગ્રેસ પર તીખા બાણ

ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નામ લીધા વગર મંત્રી વાઘાણીનો જોરદાર પલટવાર; કોંગ્રેસની નવી કમિટીને 'હારનારાઓનું ટોળું' ગણાવ્યું, જ્ઞાતિવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિના ગંભીર આક્ષેપોથી ખળભળાટ

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો રણશિંગુ ફૂંકાય તે પહેલા જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે. ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસની નવી કમિટીની રચના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, જે નેતાઓ પાસે માત્ર હારવાના જ રેકોર્ડ છે, તેઓ આજે ભાજપને હરાવવાની વ્યૂહરચના બનાવી રહ્યા છે.

વિકેટો તો આજે જ પડી ગઈ!

જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ પર પરોક્ષ નિશાન સાધતા કહ્યું કે, જે લોકો વિધાનસભાની ચૂંટણીમાં સતત ૭ વખત હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે, તેમને જ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ કોંગ્રેસની હતાશા દર્શાવે છે. તેમણે ક્રિકેટની ભાષામાં કટાક્ષ કરતા ઉમેર્યું કે, "વિપક્ષના કેટલાક નેતાઓની રાજકીય વિકેટો તો આજે જ પડી ગઈ છે, પરિણામો આવશે ત્યારે તેમને પોતાની સાચી તાકાતનો અંદાજ આવી જશે."

જ્ઞાતિવાદ વિરુદ્ધ વિકાસવાદનો જંગ

કોંગ્રેસની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા મંત્રીએ ગંભીર આક્ષેપ કર્યો કે કોંગ્રેસને વિકાસના કામોમાં કોઈ રસ નથી. તેમને માત્ર જાતિ-જ્ઞાતિ અને તૃષ્ટિકરણની રાજનીતિ કરીને સમાજમાં ભાગલા પાડવા છે. વાઘાણીએ દાવો કર્યો હતો કે રાજકોટની જનતા ભાજપના વિકાસવાદને ઓળખે છે અને નકારાત્મક રાજનીતિને ક્યારેય સ્વીકારશે નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજકોટ મનપામાં ફરી એકવાર જંગી બહુમતી સાથે કેસરીયો લહેરાશે.

ચૂંટણી પૂર્વે રણ મેદાન તૈયાર

મંત્રી વાઘાણીના આ નિવેદન બાદ રાજકોટના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ કોંગ્રેસ નવી કમિટી બનાવીને સંગઠનને મજબૂત કરવાનો દાવો કરી રહી છે, ત્યારે બીજી તરફ ભાજપે તેમના 'હારના રેકોર્ડ' ને હથિયાર બનાવીને આક્રમક પ્રચાર શરૂ કરી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે રાજકોટની જનતા કોની 'વિકેટ' પાડે છે અને કોને સત્તાના સિંહાસન પર બેસાડે છે.

(11:57 PM IST)