<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ભાજપ કરશે વિકાસની વાત, વિપક્ષો ભ્રષ્‍ટાચારના મુદ્દે મારશે પ્રચારની લાત

સમય સમય કી હૈ બાત, સમય કા હૈ યોગ, ચૂનાવ કે વકત ઉછલને લગે હૈ દો કોડી કે લોગ : તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં શાસક અને વિપક્ષના પ્રચારના મુદ્દા સ્‍પષ્‍ટ : સ્‍થાનિક ઉપરાંત રાજય અને કેન્‍દ્ર કક્ષાના મુદ્દાઓ ગાજશે

રાજકોટ, તા. ૯ :  ગુજરાતમાં એકદમ નજીકના દિવસોમાં તાલુકા-જિલ્લા પંચાયતો તેમજ નગરો અને મહાનગરોમાં ચૂંટણી આવી રહી છે. સ્‍થાનિક ચૂંટણીમાં સામાન્‍ય રીતે સ્‍થાનિક મુદ્દાઓ અગત્‍યના હોય છે પણ સ્‍થાનિક ઉપરાંત રાજયના અને કેન્‍દ્રના અમૂક મુદ્દાઓ અસરકર્તા બને છે. દરેક ઉમેદવાર વ્‍યકિતગત પ્રતિભા ઉપરાંત પોતાના પક્ષના પ્રચારના મુદ્દાઓ આવરી લઇને પ્રચારનો માહોલ સર્જવા માટે પ્રયાસ કરે છે. આ વખતની ચૂંટણીમાં ભાજપના વિકાસના મુદ્દા સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જેવા વિરોધ પક્ષોએ ભ્રષ્‍ટાચારનો મુદ્દો ઉછાળવાનો મિજાજ દર્શાવ્‍યો છે. પંચાયતથી પાર્લામેન્‍ટ સુધી સત્તામાં રહેલ ભાજપ વિકાસનો મુદ્દો શણગારશે અને વિપક્ષો વિકાસને ગાંડો કરવા માંગે છે.

રાજકીય વર્તુળોના જણાવ્‍યા મુજબ ભાજપ દ્વારા વિકાસને જ મુખ્‍ય મુદ્દો બનાવવામાં આવશે. ભાજપ પંચાયતથી પાલામેન્‍ટ સુધી શાસનમાં એકસુત્રતાનું મહત્‍વ સમજાવશે. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રો માટે બજેટમાં કરેલ જોગવાઇઓ રાજય અને કેન્‍દ્ર સરકારની વિકાસ યોજના સરકાર દ્વારા ખેડૂતો, મહિલાઓ, યુવાનો, દર્દીઓ વગેરેને  મળતા લાભના મુદ્દે પ્રચાર કરશે. ભાજપનું સક્ષમ નેતૃત્‍વ રામ મંદિર નિર્માણ, કલમ ૩૭૦ રદ, ઓપરેશન સિંદૂર વગેરે મુદ્દાઓ સ્‍થાનિક ચૂંટણીના પ્રચારમાં આવી શકે છે. વિકસિત ભારતનું સપનું પૂર્ણ કરવા વિકસિત ગુજરાતની જરૂરીયાત પર શાસક પક્ષ ભાર મૂકશે.

ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને પરેશાની કાયદો-વ્‍યવસ્‍થા, સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના પેપરો ફુટવા, વહીવટી તંત્ર પર સરકારના સંપૂર્ણ અંકુશનો અભાવ વગેરે મુદ્દાઓ વિરોધ પક્ષ ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરશે. અમૂક વિસ્‍તારોમાં ચૂંટણી પૂર્વે બનેલી કે ચૂંટણી વખતે બનેરી ઘટનાઓ પણ પ્રચારમાં મોખરાનું સ્‍થાન લઇ શકે છે.

રાજયમાં જુદા જુદા પક્ષો અને અપક્ષો ચૂંટણીના મેદાનમાં ઉતરશે. મુખ્‍ય સ્‍પર્ધા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે થશે. ભાજપની સામે વિપક્ષોની અત્‍યારની લાઇન ભ્રષ્‍ટાચાર વિરોધી દેખાય છે. ભાજપના શાસનમાં ભ્રષ્‍ટાચાર બેફામ વધ્‍યાના આક્ષેપો અવારનવાર થતા રહે છે. આ જ મુદ્દો ચૂંટણી પ્રચારમાં ગજાવવાનો ભાજપનો વિરોધ પક્ષોનો ઇરાદો છે. વર્ષ ડીસેમ્‍બર ર૦ર૭ની રાજયની ધારાસભ્‍યની ચૂંટણી પૂર્વેનો સૌથી મોટો જનાદેશ છે. જેમાં ૪ કરોડથી વધુ લોકોને મત આપવાનો અધિકાર છે. ૧૮ર પૈકી ૧૬૧ ધારાસભ્‍યો ભાજપના છે. દરેક ધારાસભ્‍ય માટે પોતાના વિસ્‍તારમાં પોતાના પક્ષને જીતાડીને પોતાની તાકાતમાં વધારો દર્શાવવાની તક છે. ચુંટણી પ્રચારમાં એક તરફ વિકાસના ઢોલ વાગશે બીજી તરફ  વિપક્ષો અલગ અલગ રીતે હરીફ પક્ષ અને હરીફ ઉમેદવારો વિરોધ પ્રચાર અભિયાન ચલાવાશે. સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓનો ર૦ર૬ના વર્ષનો જંગ યાદગાર બની રહેશે.

એક નઝર ઇધર ભી...

રઘો : પોતાના પક્ષમાં સતત અવગણના પામતા એક કાર્યકરે જયોતિષ પાસે જઇને પૂછ્‍યુ ‘‘મારી અવગણના કેમ થાય છે ? '' જયોતિષે કહ્યું ‘‘ ત્રણ વર્ષ સુધી તમારી અવગણના થશે''.

મઘોઃ   ત્રણ વર્ષ પછી શું થશે ?

રઘોઃ   જયોતિષએ કહ્યું ‘‘ત્રણ વર્ષ પછી તમે અવગણનાથી ટેવાઇ જશો.''

(11:31 AM IST)