પાલનપુરમાં મહિલા કોંગ્રેસના ધરણાનો ફિયાસ્કો : માત્ર બે મહિલા કોર્પોરેટર જ કાર્યક્રમમાં હાજર : કોઈ આગેવાનો ધરણામાં ફરક્યા જ નહીં
ભલે સંખ્યા ઓછી રહી, પરંતુ હાજર રહેલી મહિલાઓએ 'હાય રે મોંઘવારી હાય' ના છાજિયા લઈ મોંઘવારી સામે અવાજ ઉઠાવ્યો હતો. મહિલાઓએ રસ્તા પર બેસીને છાજિયા લીધા

પાલનપુર તા.૯ : બનાસકાંઠાના પાલનપુરમાં મોંઘવારી વિરુદ્ધ મહિલા કોંગ્રેસના ધરણાનો ફિયાસ્કો થયો હતો. આગામી પંચાયત ચૂંટણીઓના પ્રચાર વચ્ચે આયોજિત આ કાર્યક્રમમાં માત્ર બે મહિલા કોર્પોરેટરો જ હાજર રહ્યા હતા, જ્યારે મુખ્ય આગેવાનો ગેરહાજર રહ્યા હતા. છાજિયા લઈને વિરોધ કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું, પરંતુ પક્ષના આંતરિક જૂથવાદની ચર્ચાઓએ જોર પકડ્યું છે.બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે મહિલા કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીના વિરોધમાં એક ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં જ વધેલા LPG ગેસને લઈ પણ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, આ કાર્યક્રમ વિરોધ પ્રદર્શન કરતા પક્ષની આંતરિક નબળાઈ અને જૂથવાદનું પ્રદર્શન વધુ બની રહ્યો હોય તેવું જણાતું હતું. આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ગણગણાટ શરૂ થયો છે, ત્યારે કોંગ્રેસના આ ફિયાસ્કાએ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જગાડી છે.
આશ્ચર્યની વાત એ રહી કે આટલા મોટા આયોજનમાં માત્ર બે મહિલા કોર્પોરેટર જ હાજર રહ્યા હતા. મોંઘવારી જેવા સંવેદનશીલ મુદ્દે જ્યારે જનતાની વચ્ચે જવાનું હતું, ત્યારે કોંગ્રેસના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પાંખી હાજરીએ રાજકીય આલમમાં ગરમાવો લાવી દીધો છે. પાલનપુર નગરપાલિકાના અન્ય મહિલા સભ્યો કે પક્ષના હોદ્દેદારો આ કાર્યક્રમથી અંતર જાળવતા જોવા મળ્યા હતા.
આગેવાનોની ગેરહાજરી અને જૂથવાદની ચર્ચા
સમગ્ર જિલ્લામાં જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના મુખ્ય આગેવાનોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષની અંદર રહેલા આંતરિક મતભેદોને કારણે ઘણા નેતાઓએ આ ધરણા પ્રદર્શનમાં ડોકિયું પણ કર્યું નહોતું. જે પક્ષ માટે ચિંતાનો વિષય છે.
સૂત્રોચ્ચાર અને છાજિયા લઈને અનોખો વિરોધ
ભલે સંખ્યા ઓછી રહી, પરંતુ હાજર રહેલી મહિલાઓએ 'હાય રે મોંઘવારી હાય' ના છાજિયા લઈ મોંઘવારી સામે અવાજ ઉઠાવ્યો હતો. મહિલાઓએ રસ્તા પર બેસીને છાજિયા લીધા હતા અને વધતી જતી ખાદ્ય ચીજવસ્તુઓ અને ઇંધણના ભાવ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન બાદ આ જૂથે કલેક્ટર ને આવેદનપત્ર આપીને સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરી હતી.
ચૂંટણી પહેલાના આ કાર્યક્રમમાં અન્ય મહિલા આગેવાનો અને કાર્યકરોની ગેરહાજરી સાબિત કરે છે કે બનાસકાંઠા (Banaskantha) કોંગ્રેસમાં સંકલનનો અભાવ છે. જો આ જ સ્થિતિ રહી, તો આગામી પંચાયતની ચૂંટણીઓમાં પક્ષને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
