<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

રાજ્યમાં કાળઝાળ ગરમી :અમદાવાદ સહિત 5 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો

41.6 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર :અમદાવાદ સહિતના શહેરોમાં હીટવેવની અને મહત્તમ તાપમાનમાં વધારાની આગાહી

અમદાવાદ : રાજયમાં આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ સહિતના શહેરોમાં હીટવેવની અને મહત્તમ તાપમાનમાં વધારાની આગાહી કરી હતી. જે અનુરુપ આજે ગુજરાતના મોટાભાગના શહેરોમાં અંગદઝાડતી ગરમીનો અનુભવ થયો છે. અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે. જેમાં 41.6 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યાં છે.

 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહીં. ત્યારબાદ 2થી 3 ડિગ્રી સુધી પારો નીચે જતા ત્રણ દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય. 10 અને 11 માર્ચ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, કચ્છ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરુચ, સુરત અને વડોદરામાં હીટવેવની શક્યતા છે.

 

આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 41.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમા 41.6, કંડલા પોર્ટમાં 41.4, અમદાવાદમાં 41.2, ડીસામાં 41.1, કેશોદમાં 40.8, ગાંધીનગરમાં 40.6, સુરતમા 40.6, અમરેલીમાં 40.5, વડોદરામા 40.4, ભુજમા 40.4, મહુવામાં 39.6, વલ્લભ વિદ્યાનગરમાં 39.1, ભાવનગરમાં 38.6, પોરબંદરમાં 37.8, નલિયામાં 37.4, વેરાવળમાં 31.2, ઓખામાં 29.2, દ્વારકામાં 28.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

 

આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 22.8 ડિગ્રી, સુરતમાં 22.6, વલ્લભ વિદ્યાનગરમાં 22.4, દ્વારકામાં 22.4, ભુજમાં 22.2, પોરબંદરમાં 22.2, ભાવનગગરમાં 21.9, અમદાવાદમાં 21.8, વેરાવળમાં 21.8, ઓખામાં 21.6, કંડલા પોર્ટમાં 21, ગાંધીનગરમાં 20.5, વડોદરામાં 20.4, કેશોદમાં 20.3, ડીસામાં 19.5, રાજકોટમાં 19.3, મહુવામા 18.6, અમરેલીમાં 17.6, નલિયામાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(8:14 PM IST)