<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાજ્યની ૭૧ નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક, : માર્ચ-૨૦૨૬માં મુદત પૂર્ણ થતા લેવાયો નિર્ણય

ચૂંટણી બાદ નવી કારોબારીની રચના ન થાય ત્યાં સુધી પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સંભાળશે વહીવટ : વિકાસકામો અને અનિવાર્ય સેવાઓ માટે સત્તા સોંપાઈ, પરંતુ નીતિવિષયક નિર્ણયો લેવા પર રહેશે પ્રતિબંધ

ગાંધીનગર: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની નગરપાલિકાઓના વહીવટને લઈને મહત્વનો હુકમ બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ની કલમ-૮ની જોગવાઈ મુજબ રાજ્યની ૭૧ નગરપાલિકાઓની ૫ વર્ષની મુદત માર્ચ-૨૦૨૬માં પૂર્ણ થઈ રહી છે. મુદત પૂરી થયા બાદ અને આગામી સામાન્ય ચૂંટણીઓ પછી નવી કારોબારી સમિતિ કાર્યરત ન થાય ત્યાં સુધી આ પાલિકાઓનો વહીવટ સુચારુ રીતે ચાલે તે હેતુથી વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યપાલના હુકમથી નાયબ સચિવ (નગરપાલિકા) નિલેશ મોદી દ્વારા આ આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

વહીવટદારોની સત્તા અને મર્યાદાઓ:
સરકારના આદેશ અનુસાર, નિયુક્ત કરાયેલા વહીવટદારો નગરપાલિકાની અગાઉની ચૂંટાયેલી પાંખ દ્વારા મંજૂર કરવામાં આવેલા વિકાસલક્ષી કામોના વર્ક ઓર્ડર આપી શકશે. આ ઉપરાંત પાણી, ગટર, લાઈટ, અગ્નિશમન અને સફાઈ જેવી અનિવાર્ય સેવાઓના સાધનો કે વાહનોના મરામત માટે નિયમાનુસાર ખર્ચ કરવાની સત્તા પણ તેમને આપવામાં આવી છે. જોકે, વહીવટદાર તરીકેના કાર્યકાળ દરમિયાન આ અધિકારીઓ કોઈ પણ પ્રકારના નીતિવિષયક નિર્ણયો લઈ શકશે નહીં તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

અમદાવાદ અને ગાંધીનગર ઝોનની પાલિકાઓ:
અમદાવાદ ઝોનમાં ધોળકા, વિરમગામ, કપડવંજ, ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલા માટે જે-તે વિસ્તારના પ્રાંત અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે બરેજા માટે મામલતદાર ધોળકા, કંજરી માટે મામલતદાર નડિયાદ ગ્રામ્ય, કથલાલ માટે મામલતદાર કથલાલ, ઠાસરા માટે મામલતદાર ઠાસરા અને પાટડી માટે મામલતદાર પાટડીને જવાબદારી સોંપાઈ છે. બોટાદની બરવાળા પાલિકામાં મામલતદાર બરવાળા વહીવટ સંભાળશે. ગાંધીનગર ઝોનમાં પાટણ, સિદ્ધપુર, પાલનપુર, ડીસા, કડી, ઊંઝા, વિસનગર, હિંમતનગર, મોડાસા, કલોલ અને દહેગામ પાલિકાઓમાં સંબંધિત પ્રાંત અધિકારીઓની વહીવટદાર તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે ભાભર માટે મામલતદાર ભાભર, વડાલી માટે મામલતદાર વડાલી અને બાયડ માટે મામલતદાર બાયડ કાર્યભાર સંભાળશે.

વડોદરા, સુરત અને રાજકોટ ઝોનની સ્થિતિ:
વડોદરા ઝોનમાં ગોધરા, દાહોદ, ડભોઈ, પાદરા, બોરસદ, ખંભાત અને પેટલાદ પાલિકાઓમાં પ્રાંત અધિકારીઓ વહીવટદાર રહેશે. શહેરા માટે મામલતદાર શહેરા, સાવલી માટે મામલતદાર સાવલી, ઉમરેઠ માટે મામલતદાર ઉમરેઠ અને સોજિત્રા માટે મામલતદાર સોજિત્રાની નિમણૂક કરાઈ છે. સુરત ઝોનમાં વ્યારા, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને બારડોલીમાં પ્રાંત અધિકારીઓ જવાબદારી નિભાવશે. ગણદેવી માટે મામલતદાર ગણદેવી, આમોદ માટે મામલતદાર આમોદ, ઉમરગામ માટે મામલતદાર ઉમરગામ, કડોદરા માટે મામલતદાર પલસાણા, તારસાડી માટે મામલતદાર માંગરોળ અને માંડવી (સુરત) માટે મામલતદાર માંડવી વહીવટદાર તરીકે રહેશે. રાજકોટ ઝોનમાં ભુજ, અંજાર, માંડવી (કચ્છ), મુંદ્રા-બરોઈ, ખંભાળિયા અને ગોંડલ પાલિકાઓમાં પ્રાંત અધિકારીઓ તેમજ સિક્કા માટે મામલતદાર જામનગર સિટી, જામરાવલ માટે મામલતદાર ખંભાળિયા અને માળિયા-મિયાણા માટે મામલતદાર માળિયાની નિમણૂક થઈ છે.

ભાવનગર ઝોનની પાલિકાઓ:
ભાવનગર ઝોન હેઠળ અમરેલી, સાવરકુંડલા, વેરાવળ પાટણ, ઉના, કેશોદ, મહુવા અને પાલિતાણામાં જે-તે વિસ્તારના પ્રાંત અધિકારીઓ વહીવટદાર તરીકે કાર્ય કરશે. બગસરા માટે મામલતદાર બગસરા, બાબરા માટે મામલતદાર બાબરા, દામનગર માટે મામલતદાર લાઠી, સૂત્રાપાડા માટે મામલતદાર સૂત્રાપાડા, તાલાલા માટે મામલતદાર તાલાલા અને વલ્લભીપુર માટે મામલતદાર વલ્લભીપુરની વરણી કરવામાં આવી છે.

આ હુકમની નકલ રાજ્યપાલના અગ્ર સચિવ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીના અંગત સચિવો તેમજ રાજ્ય ચૂંટણી આયોગના સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓને જાણ અને અમલવારી માટે રવાના કરવામાં આવી છે.

(9:34 PM IST)