News of Monday, 9th March 2026
નવસારીમાં મનપાએ બનાવેલા રોડનો ડામર પીગળ્યો ટાઉન પોલીસ મથકથી ટાટા સ્કૂલ સુધી ડામર ઓગળ્યો !
ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચતા ડામરે દગો દીધો :મોટા બજારમાં રોડ સરફેસ સ્મૂથ કરવા લગાવ્યો હતો ડામર

નવસારી : શહેરમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. નવસારીમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. આ આકરી ગરમીની સીધી અસર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જોવા મળી છે. શહેરના વ્યસ્ત ગણાતા મોટા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ બનાવવામાં આવેલા નવા રોડનો ડામર પીગળવાની ઘટના સામે આવી છે. જોકે નવા જ બનેલા રોડ પર ડાબર પીગળતાં અનેક સવાલો ઉભા થયા છે.
નવસારીના મુખ્ય વેપારી મથક એવા મોટા બજાર વિસ્તારમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનથી લઈને જે.એન. ટાટા સ્કૂલ સુધીના માર્ગ પર ડામર પીગળ્યો છે. ઉલ્લેખનીય છે કે રોડ સરફેસને સ્મૂથ કરવા માટે તાજેતરમાં જ ડામરનું પડ ચઢાવવામાં આવ્યું હતું. જોકે આ ડામર પ્રવાહી બનીને રોડ પર ફેલાઈ રહ્યો છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. એક સ્થાનિકે કહ્યું આ રોડ પર ડામર છેલ્લા 4 દિવસથી પીગળી રહ્યો છે.
હાલમાં તહેવારોની મોસમ હોવાથી મોટા બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઈદ ની ખરીદી માટે આવેલા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પગપાળા જતા લોકોના ચંપલ ડામરની ચીકાશને કારણે રોડ પર જ ચોંટી રહ્યા છે, જેના લીધે અનેક લોકોના પગરખાં તૂટી ગયા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. રસ્તા પર ડામર પીગળવાને કારણે ખરીદી કરવા આવેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માત્ર રાહદારીઓ જ નહીં, પણ ટુ-વ્હીલર ચાલકો માટે પણ આ રોડ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. ડામર પીગળીને રસ્તા પર પથરાઈ જવાથી ટાયર અને રોડ વચ્ચેનું ઘર્ષણ ઓછું થઈ ગયું છે, જેના કારણે બાઈક કે સ્કૂટર સ્લીપ થઈ જવાનો ભય સતત સતાવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા રોડની ગુણવત્તા બાબતે સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું રોડ બનાવવામાં વપરાયેલું મટીરીયલ હલકી કક્ષાનું હતું?
નવસારી જ નહીં પણ વલસાડમાં પણ ડામર પીગળવાની ઘટના બની છે. છીપવાડ દાણા બજારમાં રસ્તા પર ડામર પીગળ્યો છે. આ રોડ પણ દોઢ મહિના પહેલા જ બન્યો હતો. જેથી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
