News of Tuesday, 10th March 2026
૬ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની વિદાયઃ આજથી વહીવટદારનું શાસન
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૨૧માં ચૂંટાયેલી પાંખની મુદત ૯મી માર્ચના રોજ પૂરી થઇ ગઇઃ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા દાવેદારોની દોડધામ શરૂ, નેતાઓ સમક્ષ લોબિંગ : છ મહાનગરપાલિકામાં હવે સામાન્ય ચૂંટણી યોજવાની પ્રક્રિયા હાથ ધરાશે અને ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે આચારસંહિતા અમલી બનશે

અમદાવાદ,તા.૧૦: રાજ્યની છ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત સોમવાર ૯મી માર્ચના રોજ પૂરી થઇ ગઇ છે અને આજથી રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલા વહીવટદારો ચાર્જ સંભાળી લેશે.
રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૨૧માં ચૂંટાયેલી પાંખની મુદત ૯મી માર્ચના રોજ પૂરી થઇ ગઇ છે, જોકે આ અગાઉ સામાન્ય ચૂંટણી યોજવાની પ્રક્રિયા સમયસર શરૂ નહીં થતા છ મ્યુનિ.માં વહીવટદાર નિમવાની ફરજ પડી છે. તેના કારણો આપતા સૂત્રોએ કહ્યું કે, કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા SIRની કામગીરી હાથ ધરવામાં આવી તેના કારણે રાજ્ય ચૂંટણીપંચ મહાનગરપાલિકાઓની ચૂંટણીને લગતી કામગીરી સમયસર પાર પાડી શક્યુ નથી અને તેના પગલે છ મ્યુનિ.માં આજથી વહીવટદાર શાસન અમલી બનશે.
આ છ મહાનગરપાલિકામાં હવે સામાન્ય ચૂંટણી યોજવાની પ્રક્રિયા હાથ ધરાશે અને ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે આચારસંહિતા અમલી બનશે. ત્યારબાદ મતદાન થાય, મતગણતરી થાય અને બહુમતિ ધરાવનાર રાજકીય પક્ષ કાર્યભાર સંભાળે ત્યાં સુધી તંત્રની કામગીરી સુચારુ સ્વરૂપે ચાલુ રહે તે જોવાની જવાબદારી વહીવટદારની રહેશે. એટલું જ નહીં વહીવટદાર શાસનમાં ખાસ કરીને પ્રજાકીય પ્રશ્નો ઉભા થાય નહીં અને કોઇ સમસ્યા ઉદ્વવે તો તેનો તરત જ નિકાલ કરાવવાની સૂચના ઉપરથી અપાઇ હોવાનું જાણવા મળ્યું છે.
મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર, છ મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે જે આઇએએસ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે, તે તમામ જે તે મહાનગરપાલિકામાં અગાઉ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, તેથી તેઓ મ્યુનિ.તંત્રની કામગીરીથી સારી રીતે વાકેફ હોય તે સ્વભાવિક છે.
મ્યુનિ. ચૂંટણી માટે હવે ટૂંક સમયમાં પ્રક્રિયા હાથ ધરાશે તે જોતાં સંભવતઃ એપ્રિલના અંતમાં કે મે મહિનામાં પ્રથમ સપ્તાહમાં મતદાન યોજાય તેવી શક્યતા છે.
કઈ મનપામાં કયા વહીવટદાર
અમદાવાદ મુકેશ કુમાર (અધિક મુખ્ય સચિવ, શિક્ષણ)
વડોદરાઃ શાલિની અગ્રવાલ (જીયુવીએનએલ એમડી)
સુરતઃ મિલિદ તોરવણે (અગ્ર સચિવ, શિક્ષણ)
ભાવનગરઃ હર્ષદ પટેલ (સચિવ, સામાજિક ન્યાય અધિકારીતા)
જામનગરઃ આરતી કંવર (ચીફ સ્ટેટ ટેક્સ કમિશનર)
રાજકોટઃ રૈમ્યા મોહન (કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન)
આખરી બેઠકમાં ભાજપ-કોંગ્રેસ અને મીમનાં કોર્પોરેટરો હાજર રહ્યા હતા. જે કોર્પોરેટરો મ્યુનિ.ની સામાન્ય સભામાં પણ હાજરી પુરાવવા ખાતર આવતા કે નહોતા આવતા તેવા કોર્પોરેટરો પણ મુદત પૂરી થવાના છેલ્લા દિવસે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ચૂંટણીમાં કોને ટિકિટ મળશે અને કોની કપાશે તે નક્કી નહીં હોવાથી અનેક કોર્પોરેટરો ભારે ચહેરા સાથે ફરતા જણાતા હતા. તેમ છતાં મ્યુનિ. બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ ભેગા મળી યાદગીરી માટે ફોટા પડાવી કોંગ્રેસ ઝિંદાબાદના સૂત્રો પોકાર્યા હતા. જ્યારે ભાજપના કોર્પોરેટરોએ પણ ફોટા પડાવી ભારત માતા કી જય, વંદે માતરમ્, જય શ્રી રામના સૂત્રોચ્ચાર કર્યા હતા. તમામ કોર્પોરેટરોએ એકબીજાને શુભેચ્છા પાઠવી મ્યુનિ. બોર્ડ બેઠકમાંથી ભારે હૈયે વિદાય લીધી હતી
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
