<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

રાજકોટના ૫૪૫ કરોડના GST કૌભાંડમાં ભ્રષ્ટાચારની શંકાઃ ૫ અધિકારીની બદલી

બોગસ ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ (ITC) કૌભાંડની તપાસ દરમિયાન ભ્રષ્ટાચારની ચોક્કસ શંકા વચ્‍ચે મોટો વળાંક આવ્‍યોઃ સમગ્ર પ્રકરણની તપાસ DGGIએ પોતાના હસ્‍તક લીધી : તપાસમાં અમદાવાદ, રાજકોટ અને ગાંધીધામના ૫ ઇન્‍ટેલિજન્‍સ અધિકારીઓ સામે નાણાકીય લેવડદેવડ, કેસોની પતાવટ અને પુરાવા વગર અટકાયત જેવી અનેક ફરિયાદો મળતા તેમની ટ્રાન્‍સફર કરવામાં આવી છેઃ ગત એપ્રિલ મહિનાથી ફેબ્રુઆરી મહિના સુધીમાં અંદાજે ૧૦૦૦ કરોડથી વધુની GST ચોરી અંગેના કેસ નોંધવામાં આવ્‍યા હતા અને ૫થી વધુ વેપારીની ધરપકડ પણ કરવામાં આવી હતી

અમદાવાદ,તા.૧૦: રાજકોટમાંના ૫૪૫ કરોડના બોગસ ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ (ITC) કૌભાંડની તપાસ દરમિયાન ભ્રષ્ટાચારની ચોક્કસ શંકા વચ્‍ચે મોટો વળાંક આવ્‍યો છે. બોગસ ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ દ્વારા અંદાજે ૫૪૫ કરોડનું કૌભાંડ કરવામાં આવ્‍યું હોવાની તપાસ ચાલી રહી હતી. તપાસ દરમિયાન કેટલીક કાર્યવાહી અને કેસોની પતાવટમાં ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારની ગંધ આવતા અમદાવાદની ડાયરેક્‍ટર જનરલ ઓફ સેન્‍ટ્રલ GST ઇન્‍ટેલિજન્‍સ (DGGI) ટીમે તપાસ પોતાના હાથમાં લીધી છે. જ્‍યારે ૫ ઇન્‍ટેલિજન્‍સ અધિકારીઓની આંતરિક ટ્રાન્‍સફર કરી દેવામાં આવી છે. આ કેસમાં બે વેપારીની ધરપકડ કરવામાં આવી હતી તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ નવી દિલ્‍હીના હેડક્‍વાર્ટર તરફથી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. મળતી માહિતી અનુસાર માર્ચ મહિનો પૂરો થાય નહીં ત્‍યાં સુધી કોઈ નવા દરોડા નહીં પાડવા તેવા આદેશો બહાર પાડવામાં આવ્‍યા છે, જેના કારણે વિભાગમાં ભારે ફફડાટ ફેલાયો છે. ટોચના સૂત્રોના જણાવ્‍યા મુજબ સેન્‍ટ્રલ GST ઇન્‍ટેલિજન્‍સના અધિકારીઓ દ્વારા આડેધડ કેસો નોંધવા સહિત કેસોની પતાવટમાં નાણાકીય લેવડદેવડના આક્ષેપો સામે આવતા ઉચ્‍ચ સ્‍તરે ગંભીરતા દાખવવામાં આવી છે.

GSTની તપાસ દરમિયાન ૫૪૫ કરોડ રૂપિયાનું બોગસ ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ કૌભાંડ ખૂલ્‍યુ હતું. જેની તપાસમાં અમદાવાદ, રાજકોટ અને ગાંધીધામના ૫ ઇન્‍ટેલિજન્‍સ અધિકારીઓ સામે નાણાકીય લેવડદેવડ, કેસોની પતાવટ અને પુરાવા વગર અટકાયત જેવી અનેક ફરિયાદો મળતા તેમની ટ્રાન્‍સફર કરવામાં આવી છે.

 

ડિપાર્ટમેન્‍ટમાંથી જાણવા મળતી માહિતી મુજબ ગત એપ્રિલ મહિનાથી ફેબ્રુઆરી મહિના સુધીમાં અંદાજે ૧૦૦૦ કરોડથી વધુની GST ચોરી અંગેના કેસ નોંધવામાં આવ્‍યા હતા અને ૫થી વધુ વેપારીની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે હાલ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની તથા આડેધડ મનસ્‍વી રીતે તપાસના આક્ષેપોની અનેક ફરિયાદો મળતા આ કેસોની તપાસ પર મોટી અસર પડી રહી છે. આ તમામ બાબતો વચ્‍ચે સેન્‍ટ્રલ ઇન્‍ટેલિજન્‍સની અમદાવાદ ઓફિસમાંથી પાડવામાં આવતા દરોડામાં કેટલાક અધિકારીઓના નામ સામે આવતા વિભાગમાં ચકચાર મચી ગઈ છે.

તાજેતરમાં એક કંપનીમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સામે આવ્‍યા હતા અને તેની તપાસ હજુ ચાલુ છે. અગાઉ પણ ડીજીજીઆઈના અમદાવાદ ઓફિસમાં ફરજ બજાવતા ઇન્‍ટેલિજન્‍સ અધિકારીની ઇન્‍ટરનેશનલ સ્‍કૂલોની તપાસ દરમિયાન અન્‍યત્ર બદલી કરવામાં આવી હતી.

ઉપરાંત DRI અમદાવાદના એક અધિકારી સામે પણ આક્ષેપો થતા તેમની ટ્રાન્‍સફર કરવામાં આવી હતી. એટલું જ નહીં, અમદાવાદના ICD ખોડિયાર ખાતે ફરજ બજાવતા કસ્‍ટમ ઇન્‍સ્‍પેક્‍ટરની પણ ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાક્રમને લઈને વિભાગમાં ભારે હલચલ મચી ગઈ છે અને ચાલી રહેલી લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાની GST ચોરીના કેસોની તપાસ પર હવે મોટી અસર પડી રહી છે.

બોગસ ITCના મોટાભાગના કૌભાંડોમાં સલાહકાર ડિપાર્ટમેન્‍ટના જ અધિકારીઓ સામેલ

GSTનો અમલ શરૂ થયો ત્‍યારથી બોગસ બિલિગ, ખોટી ITC લેવાના કૌભાંડ તથા બોગસ ઇ-વે બિલિગ સહિતના ઘણા કૌભાંડોમાં સંખ્‍યાબંધ કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમની સામે તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. મોટા ભાગની તપાસમાં વિગતો સામે આવી રહી છે કે, કૌભાંડીઓને કાયદાની છટકબારી અને કૌભાંડના નવા નુસખા ડિપાર્ટમેન્‍ટના જ કેટલાક નિવૃત્ત અધિકારીઓ કે ફરજ પરના અધિકારીઓ આપી રહ્યા છે. જોકે ભૂતકાળમાં આવા અધિકારીઓ સામે પગલાં પણ લેવાયા હતા.

(10:06 AM IST)