News of Tuesday, 10th March 2026
ભ્રષ્ટાચારના કેસમાં જામીન પર રહેલું કોંગ્રેસનું નેતૃત્વ કયા મોઢે વાતો કરે છે? પાયાવિહોણા આક્ષેપો બદલ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલના આકરા પ્રહારો
૧૦,૦૦૦ બેઠકો પર લડવાની વાતો કરતી કોંગ્રેસ પાસે કાર્યકરો નથી એટલે જ ક્યુઆર કોડથી ઉમેદવારો શોધવા પડ્યા; ડુપ્લીકેટ મતદારોના નામ કમી થતા વિપક્ષને ડિપોઝીટ જપ્ત થવાનો ડર સતાવી રહ્યો હોવાનું જણાવતા ડૉ. અનિલભાઈ પટેલ

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે આજે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવી વળતા પ્રહાર કર્યા હતા. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ તેમજ પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંતભાઈ વાળા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભ્રષ્ટાચાર અને નૈતિકતાના મુદ્દે સવાલો:
ડૉ. અનિલભાઈ પટેલે કોંગ્રેસ પ્રમુખની પત્રકાર પરિષદ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જે પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો હેઠળ સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર મુક્ત હોય, તેમને ભ્રષ્ટાચાર વિશે બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. જનતાએ જેમના ભ્રષ્ટાચારને કારણે જ તેમને જાકારો આપ્યો છે, તેવા નેતાઓ આજે વિકાસની વાતો કરી રહ્યા છે તે હાસ્યાસ્પદ છે.
કોંગ્રેસ પાસે કાર્યકરોનો અભાવ અને ક્યુઆર કોડની મજબૂરી:
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ અંગે બોલતા તેમણે કહ્યું કે, ૧૦,૦૦૦ બેઠકો પર ચૂંટણી લડવાની ગુલબાંગો પોકારતી કોંગ્રેસ પાસે હકીકતમાં ૧૦,૦૦૦ સક્રિય કાર્યકરો પણ નથી. ૧૫ મહાનગરોમાં ઉમેદવારો શોધવા માટે કોંગ્રેસે ક્યુઆર કોડ (QR Code) નો સહારો લેવો પડ્યો છે, જે સાબિત કરે છે કે તેમની પાસે જમીની સ્તર પર કોઈ સક્ષમ ઉમેદવાર બચ્યા નથી. કોંગ્રેસના નેતાઓ પરિવારવાદ અને જૂથવાદમાં રચ્યા પચ્યા રહીને માત્ર યુવાનોને ભ્રમિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે.
યુવા નેતૃત્વ અને કથની-કરણીમાં તફાવત:
યુવા પ્રતિનિધિત્વ મુદ્દે કોંગ્રેસને ઘેરતા પ્રવક્તાએ જણાવ્યું કે, કોંગ્રેસ ૫૦ ટકા યુવાનોને ટિકિટ આપવાના દાવા કરે છે, પરંતુ તેમની પોતાની ચૂંટણી સમિતિમાં બેઠેલા નેતાઓની ઉંમર જોતા જ સત્ય સામે આવી જાય છે. તેની સામે ભાજપ પાસે ખરા અર્થમાં યુવા નેતૃત્વ છે, જેમાં રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનજી માત્ર ૪૫ વર્ષના છે. દિલ્હીની AI સમિટમાં કોંગ્રેસે કરેલા હંગામાને યુવા વિરોધી ગણાવતા તેમણે કહ્યું કે, દેશના યુવાનોનું ભવિષ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં જ સુરક્ષિત છે.
SIR અને મતદાર યાદી સુધારણા પર પ્રહાર:
મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે કોંગ્રેસના ડરને ખુલ્લો પાડતા ડૉ. પટેલે જણાવ્યું કે, કોંગ્રેસે જે ડુપ્લીકેટ અને ડબલ મતદારો ઊભા કર્યા હતા, તેમના નામ હવે કમી થતા કોંગ્રેસને પોતાની ડિપોઝીટ જપ્ત થવાનો ડર સતાવી રહ્યો છે. જો કોંગ્રેસ ખરેખર ગંભીર હોત તો ૨૦૦૪ થી ૨૦૧૪ દરમિયાન પોતાની સરકારમાં આ પ્રક્રિયા કેમ ન કરી? પાંચ વર્ષે માત્ર ચૂંટણી ટાણે જ દેખાતા નેતાઓને જનતા આ વખતે પણ આકરો પાઠ ભણાવશે અને ભાજપના વિકાસવાદ પર મહોર મારશે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
