News of Wednesday, 11th March 2026
તાપીના નિઝર સીમમાં બે બાઇક સામસામે અથડાતા ગંગથા અને બોરીકુવાના 3 વિદ્યાર્થીઓના કરુણ મોત
બોર્ડનું પેપર આપી પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો :પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

તાપી જિલ્લાના નિઝર સીમમાં અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બોર્ડની પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીઓની બાઈકને અકસ્માત નડતા કુલ ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં એક અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નિઝર સીમ વિસ્તારમાં બે મોટરસાયકલ સામસામે વેગ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં સામેલ યુવકો ગંગથા અને બોરીકુવા ગામના હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષાના ઉત્સાહમાં ઘરે પરત ફરી રહેલા આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે આ મુસાફરી અંતિમ સાબિત થઈ હતી.
અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ યુવકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. આ ઘટનાને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક નિઝર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરવાની તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે કાળમુખો દિવસ સાબિત થયો છે. તાપી ઉપરાંત આજે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડનું પેપર આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી છે. રાજ્યમાં એક જ દિવસમાં વિદ્યાર્થીઓના મોતની બે મોટી ઘટનાઓથી શિક્ષણ જગત અને વાલીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
