<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

અમદાવાદના પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં અજાણ્યા પાર્સલમાં રાખેલા સ્પ્રેના કારણે ધડાકો:લોકોમાં ગભરાટ

BDDS, ડોગ સ્કવોડ અને FSLની ટીમોને બોલાવીને ઊંડી તપાસ શરૂ: આ પાર્સલ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં મોકલવાનું હતું તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે

અમદાવાદના પાલડીમાં આજે(11 માર્ચ, 2026) ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં એક અજાણ્યા પાર્સલમાં રાખેલા સ્પ્રેના કારણે જોરદાર ધડાકો થયો હોવાની ઘટના સામે આવી છે. અહીં એકાએક થયેલા આ વિસ્ફોટના અવાજથી આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઓફિસમાં હાજર કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, આ ગંભીર ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી.

ઝોન 7ના DCP શિવમ વર્માએ જણાવ્યું કે, પાલડી સર્જરી હોસ્પિટલ પાસે આવેલી ટ્રાવેલર્સની ઓફિસમાં જે ધડાકો થયો છે, તેની પ્રાથમિક તપાસમાં આ વિસ્ફોટ સિલિકોન સ્પ્રેના કારણે થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ સતત વધતી ગરમીના કારણે સ્પ્રેમાં આ ધડાકો થયો હોઈ શકે છે, તેમ છતાં સત્યતા ચકાસવા માટે અમે BDDS, ડોગ સ્કવોડ અને FSLની ટીમોને બોલાવીને ઊંડી તપાસ શરૂ કરી છે. આ પાર્સલ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં મોકલવાનું હતું તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. ખાસ કરીને, બસમાં આ પ્રકારના જ્વલનશીલ કે પ્રતિબંધિત પાર્સલ મોકલવા અંગેના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તેની પણ તપાસ કરાશે અને જો કોઈની બેદરકારી જણાશે, તો કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ ધડાકાને લીધે ટ્રાવેલ્સની ઓફિસના ફર્નિચરના લોચા વળી ગયા હતા અને બહાર લાગેલું સાઈન બોર્ડ પણ તૂટી પડ્યું હતું. ઓફિસની અંદર રહેલા સાધનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.

(1:13 AM IST)