News of Thursday, 12th March 2026
પહેલા પાણી માટે ગામડાઓમાં 'બેડા યુદ્ધ' થતા હવે છેવાડાના આદિવાસી વિસ્તારો સુધી વીજળી અને પાણી પહોંચી ચૂક્યા છે
"એક કુંવરજી જાય છે તો બીજા કુંવરજી આવે છે." પૂર્વ મંત્રી કુંવરજી હળપતિએ ભૂલથી મંત્રી કુંવરજી બાવળિયાને પોતાની જ અટક (હળપતિ) થી સંબોધ્યા:અટકબાજીની ભૂલને કારણે સમગ્ર ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું

ગાંધીનગર :ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન આજે બે મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિભાગોની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા અને મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આજના દિવસની કાર્યવાહીમાં રસ્તા અને પાયાની સુવિધાઓના વિકાસના દાવાઓની સાથે સાથે ગૃહમાં હળવી પળો પણ જોવા મળી હતી.
વિધાનસભાની પ્રથમ બેઠકની શરૂઆતમાં શ્રમ-રોજગાર, પંચાયત અને ગ્રામ વિકાસ,આદિજાતિ વિકાસ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની માગણીઓ પર ચર્ચા અને મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.
બપોરે 2:30 કલાકે મળનારી બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ યોજાશે, જેમાં જેમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. ત્યારબાદ પશુપાલન , સહકાર અને મત્સ્ય ઉદ્યોગ વિભાગની માગણીઓ પર મતદાન થશે.
પ્રશ્નોત્તરી કાળ અને માગણીઓ પરની ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય વિજય પટેલએ રાજ્યના વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે પહેલા રસ્તાઓ એવા હતા કે જાણે ઊંટ ગાડીમાં જતા હોય તેવું લાગતું, પરંતુ હવે રસ્તાઓ એટલા આધુનિક બન્યા છે કે જાણે હવાઈ જહાજમાં મુસાફરી કરતા હોય તેવો અનુભવ થાય છે.તેમણે વધુમાં કહ્યું કે પહેલા પાણી માટે ગામડાઓમાં 'બેડા યુદ્ધ' થતા હતા, પરંતુ હવે છેવાડાના આદિવાસી વિસ્તારો સુધી વીજળી અને પાણી પહોંચી ચૂક્યા છે.
આજની કાર્યવાહી દરમિયાન એક રસપ્રદ અને હળવી ઘટના પણ બની હતી. પૂર્વ મંત્રી કુંવરજી હળપતિ એ ભૂલથી મંત્રી કુંવરજી બાવળિયાને પોતાની જ અટક (હળપતિ) થી સંબોધ્યા હતા. બંનેના નામ સમાન હોવાથી થયેલી આ અટકબાજીની ભૂલને કારણે સમગ્ર ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. પોતાની ભૂલ સુધારતા હળપતિએ રમૂજમાં કહ્યું હતું કે, "એક કુંવરજી જાય છે તો બીજા કુંવરજી આવે છે."
ગાંધીનગર વિધાનસભામાં પૂર્વ મંત્રી કુંવરજી હળપતિએ અત્યંત ફિલ્મી અને રોમાંચક અંદાજમાં ગુજરાતના વિકાસની ગાથા રજૂ કરી હતી. તેમણે લોકપ્રિય ફિલ્મ 'પુષ્પા'ના પ્રખ્યાત ડાયલોગનો સહારો લઈને વિપક્ષ અને જનતાનું ધ્યાન ખેંચતા જણાવ્યું હતું કે, "ગુજરાતનો વિકાસ એ કોઈ સામાન્ય 'ફ્લાવર' નથી, પણ અસલી 'ફાયર' છે." તેમના આ અનોખા અંદાજે સભાગૃહમાં ભારે કુતૂહલ સર્જ્યું હતું, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યની પ્રગતિ અટકવાની નથી પણ અગ્નિની જેમ સતત તેજ ગતિએ આગળ વધતી રહેશે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
