News of Thursday, 12th March 2026
બેફામ ટોલ ટેક્ષની વસુલાત છતા સાવ ખરાબ રસ્તાઃ મનીષ દોશી
માર્ગ મકાન વિભાગમાં ભ્રષ્ટાચારઃ કોંગ્રેસના પ્રવકતાના પ્રહારો

અમદાવાદ તા.૧૨: રાજ્યમાં હલકી ગુણવત્તાના રસ્તાઓ બનતા હોવાના કારણે ચોમાસામાં વરસાદમાં નુકસાન થયેલા અનેક રસ્તાઓ હજુ સુધી સંપુર્ણ રીપેર થયા નથી. સરકાર નવા રસ્તાઓની જાહેરાતો કરે છે પણ રસ્તાઓ બનતા નથી અને બને છે તો નબળી ગુણવત્તાના બને છે. તેમ આક્ષેપ કરી સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ-રાજકોટ હાઈવેનું કામ ૨૦૧૮માં બે વર્ષમાં પુર્ણ કરવાની શરતે પુર્ણ કરવાનું હતું તે મુદત પુર્ણ થયાને છ વર્ષ થયા હોવા છતાં કામ પુર્ણ થયેલ નથી. રાજકોટ-જેતપુર હાઈવેમાં ૬૦ કિ.મી. માં ૬૦ ડાયવર્જનના કારણે લાખો વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવું પડે છે, છતાં તંત્ર દ્વારા ટોલટેક્સ વસુલવામાં અવ્વલ છે. ડાયવર્ઝનના રસ્તાઓ પાકા કરવાની જોગવાઈ હોવા છતાં ડામર રોડ બનાવવામાં આવતા નથી. ૩૪ જીલ્લાઓમાં આંતરીક રસ્તાઓની હાલત સુધરતી નથી. ભ્રષ્ટાચાર મકાન વિભાગમાં થતો હોવાથી રસ્તાઓની ગુણવત્તા સુધરતી નથી. ‘‘ગોઠવણ'' અને ‘‘વહિવટ'' થી ખદબદતા માર્ગ અને મકાન વિભાગએ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે. માર્ગ અને મકાન વિભાગ સામે છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારની ફરિયાદો, જુદી જુદી જગ્યાએથી આવેલી છે જેમાં ખરીદી સહિતના જુદા જુદા ટેન્ડરોમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદો હોવા છતાં કેમ કોઈ પગલા લેવામાં આવતા નથી? સંસદસભ્યો અને ધારાસભ્યોને પણ માર્ગ અને મકાન વિભાગમાં રસ્તાઓના કામો માટે સતત ફોલોઅપ કરે છે છતાં પણ કામગીરી થતી નથી. માર્ગ અને મકાન વિભાગની નબળી કામગીરીના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે છતાં ભાજપના સંસદસભ્યો અને ધારાસભ્યો ચુપ છે. તેમ મનીષ દોશી જણાવે છે.
ગુજરાતના હાઇવે પરથી પસાર થતા વાહનો હવે રોજના કરોડ રૂપિયા ચૂકવે છે. વર્ષ ૨૦૨૩માં પ્રતિ દિવસ સરેરાશ ૧૩.૧૪ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવતો હતો, જે ૨૦૨૪માં વધીને ૧૩.૪૪ કરોડ થયો, જ્યારે વર્ષ ૨૦૨૫માં તો આ આંકડો સીધો ૧૭.૫૮ કરોડ રૂપિયા પ્રતિ દિવસ પર પહોંચી ગયો છે. સરળ ભાષામાં કહીએ તો વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં વર્ષ ૨૦૨૫માં પ્રતિ દિવસના સરેરાશ માં સીધો ૩૪ ટકા નો વધારો નોંધાયો છે. રિપોર્ટ મુજબ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરના સેલ્સ ટેક્સ અને વેટ (VAT) પેટે ગુજરાત સરકારને વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૪,૫૮૬ કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ષ ૨૦૨૦-૨૧ની સરખામણીમાં આ આવકમાં પણ ૩૦ ટકાથી વધુનો વધારો થયો છે. સવાલ એ છે કે ૧૬૦૦૦ કરોડ જેવી મતદાર રકમ ટોલ પેટે ચૂકવ્યા પછી પણ લોકોને સારા રસ્તા કેમ નથી મળતા? આવક સામે સુવિધા નામે રસ્તાઓ હજુ પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે. તેમ કોંગ્રેસના પ્રવકતા જણાવે છે.(
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
