<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ઉમરેઠના ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારની શોકસભા યોજાઈ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ -કોંગ્રેસના દિગજ્જ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

મોટી સંખ્યામાં સમર્થકો અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ નેતાના જનસેવાના કાર્યોને યાદ કરીને ભાવભીની અંજલિ અર્પણ કરી

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું ગત 6 માર્ચના રોજ નિધન થયું હતું. તેમના નિધનથી સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી ગઈ હતી. આજે તેમના નિવાસસ્થાન પાસે આવેલા શુભમ પાર્ટી પ્લોટ ખાતે એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના રાજકીય ફલક પરના તમામ પક્ષોના નેતાઓએ ઉપસ્થિત રહી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

આ શોકસભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વ. ગોવિંદભાઈ પરમારના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને ગોવિંદભાઈના જનસેવાના કાર્યોને યાદ કર્યા હતા. મુખ્યમંત્રીની સાથે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ અને રાજ્યકક્ષાના  મંત્રીઓ પણ શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા.

રાજકારણમાં પક્ષીય વિચારધારા અલગ હોવા છતાં ગોવિંદભાઈની લોકપ્રિયતા એવી હતી કે શોકસભામાં ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોના નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, અને સંજયસિંહ મહિડાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલે  પણ સંગઠન વતી શ્રદ્ધાંજલિ આપી હતી.

(10:20 PM IST)