<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ઐતિહાસિક ઈડરિયા ગઢ પર ભીષણ આગ ભભૂકી :ધુમાડાના ગોટેગોટા 5 કિલોમીટર દૂરથી દેખાયા

વન વિભાગના અધિકારીઓની કથિત બેદરકારી સામે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ

સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઈડરિયા ગઢ પર ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રહેણાંક વિસ્તારની અત્યંત નજીક આવેલા આ ડુંગર પરની આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના ધુમાડાના ગોટેગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ દુર્ઘટનાને કારણે હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહ્યા છે, પરંતુ પવનની ગતિને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે.

 

વન વિભાગના અધિકારીઓની કથિત બેદરકારી સામે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ડુંગરાળ વિસ્તાર દીપડા, પક્ષીઓ અને અન્ય વન્યજીવોનું કુદરતી નિવાસસ્થાન છે. પ્રકૃતિ પ્રેમીઓના મતે, આ આગથી દુર્લભ વનસ્પતિને વ્યાપક નુકસાન થયું છે. સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે, કારણ કે આગ રહેણાંક સોસાયટીઓ તરફ પ્રસરી રહી હોવાની આશંકા છે. તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે જેથી જનહાનિ અને વન્ય સંપત્તિના નુકસાનને અટકાવી શકાય.

 

(11:08 PM IST)