તા. ૨૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૩ બુધવાર
News of Friday, 13th March 2026
રાજ્યભરમાં છેલ્લા ૨૫ વર્ષમાં ૨૦ હજારથી વધુ પાણીની ટાંકીનું સફળ નિર્માણ:પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ
સુરત જિલ્લામાં ગાય પગલાં સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનામાં ૩૪ ગામોને પાણી આપવાની યોજના માટે રૂ.૨૪ કરોડથી વધુની રકમ મંજૂર

અમદાવાદ તા.૧૩ : રાજ્યભરમાં છેવાડાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા છેલ્લા ૨૫ વર્ષમાં ૨૦ હજારથી વધુ પાણીની ટાંકીનું સફળ નિર્માણ કરવામાં આવ્યું છે.સુરત જિલ્લામાં ગાય પગલાં સુધારણા પાણી જૂથ યોજનામાં ૩૪ ગામોને પાણી આપવાની યોજના માટે રૂ.૨૪ કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું કે, સુરતના તાડકેશ્વર ગામે હરિયાળ સબ હેડવકર્સ ખાતે નવનિર્મિત ૯ લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન ધરાશાહી થઈ હતી. આ ધરાશાયી થયેલ ટાંકી માટે કુલ રકમ રૂ.૯૪.૮૪ લાખ મંજૂર કરવામાં આવી હતી. જે હેઠળ એજન્સીને રૂ. ૮૩.૪૫ લાખનું ચુકવણું કરવામાં આવ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે રાજ્ય સરકારે ધરાશાયી થયેલ ટાંકી પેટે એજન્સી પાસેથી રૂ.૧.૦૪ કરોડની રકમ પરત વસૂલવામાં આવી છે. વધુમાં એજન્સી સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત આ યોજનામાં પાણીની ટાંકી તૂટી જવાની ઘટનામાં કસૂરવાર તમામને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે,આ ઘટનામાં કસૂરવાર સંબંધિત અધિકારી- ગુનેગારો અત્યારે જેલના હવાલે છે. આ ઉપરાંત સંબંધિત એજન્સીના અન્ય કામોની કડક રીતે સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે કસૂરવાર કોઈને પણ છોડવામાં આવશે નહીં તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રી શ્રી ઈશ્વરસિંહે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, આ વિસ્તારના નાગરિકોને પાણી પુરવઠા ઉપલબ્ધ થતો રહે તે માટે આ જ સ્થળે જલ્દીથી નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવશે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
