તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૩ શુક્રવાર
News of Friday, 13th March 2026
અમદાવાદના વેપારીએ માલિકની જ નકલી સહીઓ કરી દુકાન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું : કાયદાના સકંજામાં ફસાયેલા આ વેપારીની કરતૂત એફએસએલ રિપોર્ટમાં ખુલ્લી પડી ગઈ
થોડા સમય બાદ નાવેદખાને ભાડા કરાર કરવાનું બંધ કરી દીધું અને ભાડું ચૂકવવાનું પણ ટાળ્યું જ્યારે જૈનબબીબીના પુત્ર ફારૂક રાધનપુરીએ દુકાન ખાલી કરવાનું કહ્યું ત્યારે આરોપીએ અસલી રંગ બતાવ્યો

અમદાવાદ તા.૧૩ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વર્ષોથી ભાડે રહેતા એક વેપારીએ માલિકની જ નકલી સહીઓ કરી દુકાન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે, કાયદાના સકંજામાં ફસાયેલા આ વેપારીની કરતૂત એફએસએલ રિપોર્ટમાં ખુલ્લી પડી ગઈ છે.
શું છે સમગ્ર વિવાદ?
ધોળકામાં રહેતા જૈનબબીબીની માલિકીની એક કિંમતી દુકાન જુહાપુરાના રોયલ ટાવરમાં આવેલી છે. વર્ષ 2014માં તેમણે આ દુકાન નાવેદખાન પઠાણ નામના વેપારીને ભાડે આપી હતી, જ્યાં નાવેદખાને 'દિલ્હી જ્વેલર્સ' નામે સોના-ચાંદીનો વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ થોડા સમય બાદ નાવેદખાને ભાડા કરાર કરવાનું બંધ કરી દીધું અને ભાડું ચૂકવવાનું પણ ટાળ્યું. જ્યારે જૈનબબીબીના પુત્ર ફારૂક રાધનપુરીએ દુકાન ખાલી કરવાનું કહ્યું, ત્યારે આરોપીએ અસલી રંગ બતાવ્યો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું મોટું કૌભાંડ
વર્ષ 2021માં જ્યારે માલિકે પોલીસમાં અરજી કરી, ત્યારે નાવેદખાને દાવો કર્યો કે તેણે આ દુકાન ₹15 લાખમાં ખરીદી લીધી છે અને તે અંગેનો બાનાખત પણ રજૂ કર્યો. એટલું જ નહીં, આ ખોટા દસ્તાવેજના આધારે તેણે કોર્ટમાં કેસ પણ કરી નાખ્યો. જૈનબબીબીએ આવો કોઈ દસ્તાવેજ કર્યો ન હોવાથી મામલો ગંભીર બન્યો હતો.
FSL રિપોર્ટે પોલ ખોલી નાખી
પોલીસે જ્યારે શંકાસ્પદ બાનાખત અને જૈનબબીબીની સહીઓના નમૂના એફએસએલમાં મોકલ્યા, ત્યારે સત્ય બહાર આવ્યું કે બાનાખતમાં કરવામાં આવેલી સહીઓ તદ્દન બનાવટી હતી. આ પુરાવાના આધારે વેજલપુર પોલીસે નાવેદખાન પઠાણ અને તેના બે પુત્રો અરબાજ અને તાલીબ સામે ગુનો નોંધ્યો છે. હાલમાં મુખ્ય આરોપી નાવેદખાનની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ બનાવટી દસ્તાવેજ બનાવવામાં અન્ય કોની સંડોવણી છે અને સાક્ષી તરીકે કોણે સહીઓ કરી હતી.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
