News of Friday, 13th March 2026
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં વાલીઓની આવક મર્યાદા રૂ.૨.૫ લાખથી વધારી રૂ.૬.૦૦ થવાથી રાજ્યના અંદાજિત ૯૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના નવા દ્વાર ખુલશે:જગદીશભાઈ વિશ્વકર્મા
ઐતિહાસિક નિર્ણયના આભારદર્શન માટે પ્રદેશ ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો:વિકાસમાં કોઇ પાછળ ન રહે અને વિકાસથી કોઇ વંચિત ન રહે તે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો કાર્યમંત્ર છે: ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ગુજરાતની ભાજપા સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરીને અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં વાલીઓની આવક મર્યાદા રૂ.૨.૫ લાખથી વધારી રૂ.૬.૦૦ લાખ કરવાના ઐતિહાસિક શિક્ષણલક્ષી નિર્ણય બદલ ગુજરાત પ્રદેશ ભાજપાના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગાંધીનગરના સેકટર-૧૭ સ્થિત ટાઉનહોલ ખાતે ભવ્ય અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ પ્રસંગ માત્ર અભિવાદનનો નથી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટેના આપણા સંકલ્પને નવી ઊર્જા આપવાનો અવસર છે. તેમણે વીર મેઘમાયા, ત્રિકમ સાહેબ, ઝાંઝરકાના સંત સવૈયાનાથ અને સંત રવિદાસ સહિતના દિવ્ય સંતોની પરંપરાને વંદન કરતા કહ્યું કે, સંતોએ સદીઓ પહેલા સામાજિક સમરસતા દ્વારા સમાજ ચેતના જગાવવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે અને તેમનું ચિંતન આજે પણ વિકાસની પ્રેરણા પૂરી પાડે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસમાં કોઇ પાછળ ન રહે અને વિકાસથી કોઇ વંચિત ન રહે તેનો કાર્યમંત્ર અપાનાવ્યો છે. મોદી સાહેબે દેશનો કાર્યકાળ સંભાળ્યો ત્યારે તેમના પહેલા જ પ્રવચનમાં કહ્યુ હતું કે તેમની સરકાર દલિત, પિડિત,વંચિત, છેવાડાના અને શોષિત સમાજના ઉત્કૃર્ષને પ્રાથમિકતા આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ' ના મંત્રને કેન્દ્રમાં રાખી ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવા કટિબદ્ધ છે.
મુખ્યમંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, ડો.બાબાસાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં સૌને સમાન તકનો જે અભિગમ છે તેને ચરિતાર્થ કાર્ય શ્રી મોદીજીના નેતૃત્વમાં થયુ છે. ડો.બાબાસાહેબે આપેલા બંધારણના 75 વર્ષની ઉજવણી શ્રી મોદીજીના નેતૃત્વમાં દેશભરમાં થઇ. "શિક્ષણ એ જ સમાજને સશક્ત બનાવવાનું સૌથી શક્તિશાળી હથિયાર છે" - બાબાસાહેબના આ વિચારને અનુસરીને યુવાનોના શિક્ષણ, રોજગારી અને આત્મનિર્ભરતા વધારવા પર ફોકસ કર્યુ છે. રાજ્ય સરકારે આ વર્ષે અવિરત વિકાસ અને અડગ વિશ્વાસના મંત્ર સાથે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે ₹૭,૦૦૦ કરોડની માતબર ફાળવણી કરી છે. શિષ્યવૃત્તિની આવક મર્યાદામાં કરાયેલો વધારો એ રાજ્યના હજારો તેજસ્વી યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટેનો માર્ગ મોકળો કરશે.
અનુસૂચિત જાતિના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોની વિગતો આપતા તેઓએ જણાવ્યું કે, મોદીજીના નેતૃત્વમાં 'સ્ટેન્ડઅપ ઇન્ડિયા' યોજના હેઠળ અંદાજે ૫૦ હજાર યુવાનોને ₹૯,૦૦૦ કરોડથી વધુની સહાય પૂરી પાડી તેમને એન્ટરપ્રિન્યોર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વિદેશ અભ્યાસ માટે ૪૧૮ વિદ્યાર્થીઓને ₹૬૨ કરોડથી વધુની લોન અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે નેશનલ ફેલોશિપ જેવી યોજનાઓ અમલી છે. 'ડો. આંબેડકર આવાસ યોજના' હેઠળ પણ ૪,૯૯૯ લાભાર્થીઓને ₹૫૮.૧૨ કરોડની સહાય આપીને તેમના ઘરનું સપનું સાકાર કરાયું છે. અંતમાં તેમણે 'વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવા સૌને સાથે મળીને આગળ વધવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ અનેરો અને ભાવનાત્મક છે. સમાજના અગ્રણીઓની શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા વધારવા જે રજૂઆત હતી, તેને ભાજપા સરકારે વાચા આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આવકમર્યાદા રૂ.૬.૦૦ લાખ કરવાનો નિર્ણય લેનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ નિર્ણયથી રાજ્યના અંદાજિત ૯૭ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણના નવા દ્વાર ખુલશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અનુસૂચિત જાતિનો દીકરો કે દીકરી ડોક્ટર, એન્જિનિયર, મેડિકલ કે અન્ય ઉચ્ચ અભ્યાસમાં જાય ત્યારે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા તેને જે લાભ મળે છે તેની માહિતી સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવી જોઇએ.
વિશ્વકર્માએ કહ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંવિધાનમાં જે સામાજિક ન્યાય અને સમાનતાના સિદ્ધાંતો લખ્યા છે, તે સિદ્ધાંતોને પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના અંત્યોદયના વિચાર સાથે સમજીએ તો ખ્યાલ આવે છે કે છેવાડાના માનવીના કલ્યાણ માટે બંને મહાન વ્યક્તિઓના વિચારો એકસરખા છે.
તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે. પંડિત દીનદયાળજીએ આજીવન ટ્રેનમાં પ્રવાસ કરી છેવાડાના માનવીની જે વેદના અનુભવી હતી, તે આજે મોદી સરકારની દરેક યોજનાના મૂળમાં છે. ભાજપા સરકારની વિવિધ જનહિતની યોજનાઓ સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસ માટે જમીની સ્તરે પહોંચી રહી છે.
કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, વર્ષો સુધી જાતિવાદના નામે મલાઈ કોણે ખાધી? ચૂંટણી આવે ત્યારે સંવિધાનના નામે જુઠ્ઠું કોણ બોલે છે?, બાબાસાહેબને ચૂંટણીમાં હરાવવાનું ઘોર પાપ કોણે કર્યું હતું? બાબાસાહેબને ‘ભારત રત્ન’ ન આપીને તેમનું અપમાન કોણે કર્યુ? તે જનતા જાણે છે. બીજી તરફ, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમવાર સંવિધાનની હાથીની અંબાડી પર ગૌરવ યાત્રા કાઢીને બાબા સાહેબના મૂલ્યોનું સન્માન કર્યું હતું. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં વાલીઓની આવક મર્યાદા રૂ.૨.૫ લાખથી વધારી રૂ.૬.૦૦ લાખ કરવાના ઐતિહાસિક નિર્ણય અને સરકારની આયુષ્માન યોજના તેમજ કિસાન સન્માન નિધિ જેવી અનેક કલ્યાણકારી યોજનાઓની વાત ૫૮૦ મંડલમાં ૫૦ હજાર થી વધુ બૂથમાં ઘર ઘર સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને તેઓએ આહ્વાન કર્યું હતું.
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાઝાએ જણાવ્યું હતું કે, ભાજપાની સરકાર દ્વારા લેવાયેલો આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ સુધી વધારવાનો ઐતિહાસિક નિર્ણય ભવિષ્યની પેઢીને નવી ઉડાન આપનારો છે. આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજીનો આભાર માનતા તેમણે ઉમેર્યું કે, આજે અનુસૂચિત જાતિ સમાજનો યુવાન પાયલોટ લોન સહાયથી વિમાન ઉડાડતો થયો છે અને વિદેશ અભ્યાસ લોન પણ સરળ બની છે. તેઓએ
ડૉ. બાબાસાહેબ આંબેડકરના "શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો" ના મંત્રને અનુસરી સરકારની દરેક કલ્યાણકારી યોજનાઓને બૂથ સ્તર સુધી પહોંચાડી શિક્ષિત, સશક્ત અને સ્વભિમાની સમાજનું નિર્માણ કરવા સૌને આહ્વા કર્યું હતું.
ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ.કિરીટભાઈ સોલંકીએ સ્વાગત પ્રવચન કરી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદા અઢી લાખથી વધારીને ૬ લાખ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત ભાજપા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને ખૂબ બહોળા પ્રમાણમાં લાભ મળશે.
આ ભવ્ય અભિવાદન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રાજય સરકારના કેબિનેટ મંત્રી ડો.પ્રદ્યુમનભાઇ વાજા, રાજ્યકક્ષાના મંત્રીઓ શ્રીમતી મનિષાબેન વકિલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથજી ટુંડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઇ ગેડિયા, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી, પુર્વ મંત્રીશ્રી રમણભાઇ વોરા, ગાંઘીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત અનુ. જાતિ સમાજના ભાજપાના ચુંટાયેલા સભ્યો, વરિષ્ઠ અગ્રણીઓ, અનુસૂચિત જાતિ સમાજના વિવિધ સંગઠનના અગ્રણીઓ, આગેવાનો, ભાજપા કાર્યકર્તાઓ અને અનુસૂચિત જાતિ સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
