News of Friday, 13th March 2026
રાજ્યમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી:સિલિન્ડર માટે દોડવાની જરૂર નથી: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ગુજરાતમાં ગેસ સિલિન્ડરના પુરવઠા અંગે ફેલાયેલી ચિંતા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

ગુજરાતમાં ગેસ સિલિન્ડરના પુરવઠા અંગે ફેલાયેલી ચિંતા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. નાગરિકોને સરળતાથી ગેસ મળી રહે તે માટે તંત્ર સજ્જ હોવાની તેમણે ખાતરી આપી છે.
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ગેસ સિલિન્ડરના પુરવઠાને લઈને જનતામાં અનેક પ્રશ્નો ઉભા થયા હતા. આ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક મહત્વની અને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં રાજ્યમાં ગેસની વર્તમાન સ્થિતિ અને વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં રાજ્યના વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને રમણભાઇ સોલંકી અને મુખ્ય સચિવ એમ.કે. દાસ જેવા ઉચ્ચ પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ સીધો સંવાદ કર્યો હતો. બેઠકનો મુખ્ય એજન્ડા રાજ્યના દરેક ખૂણે ગેસ સિલિન્ડરનો જથ્થો સમયસર પહોંચે અને ક્યાંય પણ કૃત્રિમ અછત ઉભી ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો.
બેઠક બાદ મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને સંબોધતા એક ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, 'હાલની પરિસ્થિતિ જોતા કોઈ મોટી સમસ્યા નથી. રાજ્ય સરકાર અને પુરવઠા વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યા છે.' લોકોમાં ફેલાયેલી અછતની અફવાઓને વિરામ આપતા તેમણે ઉમેર્યું કે કોઈએ પણ ગેસ સિલિન્ડર માટે અહીં-તહીં દોડવાની જરૂર નથી.
મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે રાજ્યમાં દરેક નાગરિકને જરૂરિયાત મુજબ ગેસ સિલિન્ડર મળી રહે તેટલો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. જે વિસ્તારોમાં વધુ માંગ છે ત્યાં તાત્કાલિક ધોરણે સપ્લાય ચેઈન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
સરકાર દ્વારા જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારના ગભરાટમાં ન આવે કે સંગ્રહખોરી ન કરે. બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ, તમામ ગેસ એજન્સીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ પારદર્શક રીતે વિતરણ કરે. મુખ્યમંત્રીના આ એક્શનથી રાજ્યમાં ગેસની અછતને લઈને ઊભી થયેલી મૂંઝવણ દૂર થવાની આશા છે. આગામી દિવસોમાં ગેસ વિતરણ વધુ સરળ બને તે માટે સરકાર સતર્ક છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
