<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

બીલીમોરામાં ICICI બેંકમાં આગની ઘટના બનતા દોડધામ મચી

શોર્ટ સર્કિટના કારણે ગ્રાહકોમાં દોડધામઃઘટનાની જાણ થતા જ બીલીમોરા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો

નવસારી : નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આવેલી જાણીતી ICICI બેંકમાં આજે અચાનક આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. બેંકના સર્વર રૃમમાં શોર્ટ સર્કિટ થવાને કારણે જોતજોતામાં આખા બિલ્ડિંગમાં કાળા ધુમાડાના ગોટા ફેલાઈ ગયા હતા. ધુમાડાને કારણે ગ્રાહકો અને કર્મચારીઓ ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા અને બેંકની અંદર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ બીલીમોરા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ફાયર વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું કે બેંકમાં કોઈ ઇમરજન્સી એક્ઝિટ (બહાર નીકળવાનો રસ્તો) ઉપલબ્ધ ન હતો.

પરિસ્થિતિની ગંભીરતાને જોતા ફાયરના જવાનોએ બેંકના કાચ તોડીને અંદર ફસાયેલા ગ્રાહકો અને કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જવાનોની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. ધુમાડા પર કાબૂ મેળવ્યા બાદ ફાયર વિભાગે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી કે આટલી મોટી બેંક પાસે માન્ય ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) પણ ન હતું. સુરક્ષાના નિયમોના સરેઆમ ભંગ બદલ બીલીમોરા નગરપાલિકાના ફાયર વિભાગે ICICI બેંકને કડક નોટિસ ફટકારી છે. બેંકમાં આગ ઓલવવાના પૂરતા સાધનો અને સુરક્ષાના માપદંડોના અભાવે ગ્રાહકોના જીવ જોખમમાં મુકાયા હોવાથી તંત્ર દ્વારા હવે કડક કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

(9:52 PM IST)