News of Friday, 13th March 2026
GST સત્તાવાળાઓની મનમાની સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ: પેસિફિક સાયબર ટેકનોલોજી સામેનો દંડકીય આદેશ રદ
વાહનમાં ટેકનિકલ ખામીના ખુલાસાને અવગણવો અધિકારીને ભારે પડ્યો—ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી પસાર કરાયેલા આદેશને કોર્ટે ફગાવ્યો, વેપારીને મોટી રાહત

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે જીએસટી (GST) વિભાગ દ્વારા ઉતાવળે લેવાયેલા એક નિર્ણયને રદબાતલ ઠેરવીને ટેક્સ સત્તાવાળાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વેપારીના વ્યાજબી ખુલાસાને અવગણી શકાય નહીં. પેસિફિક સાયબર ટેકનોલોજી પ્રા. લિ. સામે પસાર કરાયેલા ડિટેન્શન અને ડિમાન્ડ ઓર્ડરને હાઇકોર્ટે અમાન્ય જાહેર કર્યો છે, કારણ કે સત્તાવાળાઓએ કંપનીની રજૂઆત પર બિલકુલ વિચાર કર્યો ન હતો.
શું હતો સમગ્ર વિવાદ?
કંપનીએ ૩૧ મે ૨૦૨૫ના રોજ માલની હેરફેર માટે ઈ-વે બિલ જનરેટ કર્યા હતા. જોકે, માલ ભરેલા વાહનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે નિર્ધારિત સમયે રવાના થઈ શક્યું ન હતું અને છેવટે ૨ જૂન ૨૦૨૫ના રોજ મુસાફરી શરૂ થઈ હતી. આ વિલંબના કારણે જીએસટી વિભાગે નિયમ ૧૩૮ના ઉલ્લંઘન બદલ કંપની સામે દંડકીય કાર્યવાહી કરી હતી.
હાઇકોર્ટની આકરી ટિપ્પણી
જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે આ મામલે સત્તાવાળાઓની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, "એવું લાગે છે કે સત્તાવાળાએ અરજદારના ખુલાસા પર દૂર-દૂર સુધી ધ્યાન આપ્યું નથી અને તેને ધ્યાનમાં લીધા વિના જ આદેશ પસાર કરી દીધો છે." અદાલતે સ્પષ્ટ કર્યું કે ડિમાન્ડ ઓર્ડર પસાર કરતા પહેલા સ્પષ્ટતા પર વિચાર કરવો અનિવાર્ય છે.
બાર અઠવાડિયામાં નવો આદેશ આપવા નિર્દેશ
રાજ્ય સત્તાવાળાઓએ એવી દલીલ કરી હતી કે કંપની પાસે ઈ-વે બિલની મુદત વધારવા માટે પૂરતો સમય હતો. જોકે, કોર્ટે આ દલીલને પ્રાથમિક રીતે ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ માનીને આદેશ રદ કર્યો છે. હવે સંબંધિત સત્તાવાળાએ કંપનીને સુનાવણીની પૂરતી તક આપવી પડશે અને બાર અઠવાડિયાની અંદર તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નવો ‘સ્પીકિંગ ઓર્ડર’ (સ્પષ્ટ કારણો સાથેનો આદેશ) પસાર કરવો પડશે.
આ ચુકાદાથી એ સાબિત થયું છે કે ટેકનિકલ કારણોસર થતા વિલંબમાં જો વેપારી પાસે યોગ્ય ખુલાસો હોય, તો સત્તાવાળાઓ તેને મનસ્વી રીતે ફગાવી શકે નહીં.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
