News of Saturday, 14th March 2026
ઘેડ પંથકમાં પુરમાં ધોવાય ગયેલાં ખેતરોને સુરક્ષીત કરવા ૧૪ર૩ કરોડની મંજુરી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ઘેડ ફેઝ-ર યોજનાને વહીવટી મંજુરી : ઘેડના પ તાલુકા વિસ્તારોને લાભ : મંત્રી ઇશ્વરસિંહ પટેલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૪: સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભારે પૂરને કારણે ધોવાઇ જતાં ખેતરોને સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા રૂ.૧,૪૨૩ કરોડની ફેઝ-૨ યોજનાને આપી વહિવટી મંજૂરી અપાઇ છે.
ખેડૂતો અને ગામજનોના હિતમાં સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ અને જળસંગ્રહ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ફેઝ-૨ના કુલ રૂ. ૧,૪૨૩.૪ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઘેડ વિસ્તારના ૬ તાલુકાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જેમાં ફેઝ - ૧ ના ૧૭ અને ફેઝ -૨ ના ૧૨ કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ગત એપ્રિલ-૨૦૨૫ માં ફેઝ-૧ના કુલ રૂા. ૧૩૯.૪૨ કરોડના કામોને મંજૂરી અપાઇ હતી, જે કામો પ્રગતિ હેઠળ છે તેમ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
જળ સંપત્તિ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેકટ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પોરબંદરના ધારાસભ્ય અને વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા તેમજ આ વિસ્તારના ધારાસભ્યો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેને આગામી સમયમાં સફળતા મળશે.
રાજ્યના ઘેડ વિસ્તારના પાણી નિકાલના અભ્યાસ માટે સેકોન કન્સલટન્ટ એજન્સી દ્વારા સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એજન્સી દ્વારા રજૂ કરાયેલ પ્રાથમિક અહેવાલ મુજબ ઘેડ વિસ્તારના પાણી નિકાલના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સોરઠી ઘેડ માટે ગત જાન્યુઆરી- ૨૦૨૫માં રૂ. ૧૧૮૪.૧૮ કરોડ અને બરડા ઘેડ માટે રૂ. ૩૫૦.૦૧ કરોડ એમ કુલ અંદાજીત રૂ. ૧૫૩૪.૧૯ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી તેમ મંત્રી ઇશ્વરસિંહએ ઉમેર્યું હતું.
જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સાની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે તથા ચોમાસાના સમય સિવાય સિંચાઇના પાણીની મુશ્કેલી ઉભી થાય છે તેમ મંત્રી ઇશ્વરસિંહએ કહ્યું હતું.
મંત્રી ઇશ્વરસિંહએ કામોની સ્થિતિ અંગે કહ્યું હતું કે, ઘેડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે ત્રણ તબક્કામાં એટલે કે ફેઝ ૧, ૨ અને ૩ માં કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીનાં નિકાલ માટેના આયોજન પૈકી ફેઝ- ૧ના કામો માટે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ-૨૦૨૫ના રોજ કુલ અંદાજીત રકમ રૂા. ૧૩૯.૪૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હયાત નદી/કેનાલનું ડીસીલ્ટીંગ કરવું, પાણીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા/વળક્ષોનું જંગલ કટીંગ કરવું, પાણીના વહેણમાં અવરોધ રૂપ ચેકડેમ તેમજ અન્ય બાંધકામોને દૂર કરવા જેવા કામો હાથ ધરવામાં આવશે.
મંત્રી શ્રી ઇશ્વરસિંહે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ ફેઝ-૧ ના કામો પૈકી જૂનાગઢ જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારમાં કુલ-૩ કામ, પોરબંદર જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારમાં કૂલ-૭ કામ અને બરડા ઘેડ વિસ્તારમાં કૂલ-૭ કામ મળીને કૂલ-૧૭ કામો જેમાં નદી/વોંકળા/કેનાલોના ખોદાણની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે આગામી ચોમાસા-૨૦૨૬ પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે.
મંત્રીશ્રીએ ફેઝ-૨ના કામોના આયોજન અંગે જણાવ્યું હતું કે,સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેના આયોજન પૈકી ફેઝ ૨ના કામો માટે કન્સલટન્ટ દ્વારા કરેલ રીપોર્ટને આઇઆઇટી, ગાંધીનગર પાસે રીવ્યુ કરાવી રાજ્ય સરકાર દ્વારા સોરઠી ઘેડ માટે રૂા. ૧૧૧૮.૫૪ કરોડ અને બરડા ઘેડ માટે રૂ. ૩૦૪.૮૬ કરોડ એમ કુલ અંદાજીત રૂ.૧૪૨૩.૪ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
આ વહીવટી મંજુરીમાં નદી કાંઠાઓના બેન્ક પ્રોટેક્શનના કામો, નદી, કેનાલ, વોંકળાના ડિસિલ્ટીંગ, જંગલ કટીંગ, બંધ વોંકળાઓ પુનર્જીવિત કરવા, નદી પરના નાના/સાંકળા ગાળાવાળા સી.ડી. વર્ક્સને તોડીને તેની જગ્યાએ નવા મોટા ગાળા વાળા સી.ડી. વર્ક્સ બનાવવા તેમજ જરૂરિયાત મુજબ વોટર ડીવાઈડ સ્ટ્રક્ચર બનાવવા, હયાત ટાઈડલ રેગ્યુલેટરની જગ્યાએ વધુ પાણી નિકાલની ક્ષમતાવાળું ટાઈડલ રેગ્યુલેટરનું આયોજન જરૂરી હોય ટાઈડલ રેગ્યુલેટરની નવીનીકરણની કામગીરી કરવામાં આવશે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
