<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

રાજય સરકાર એકશન મોડમાં: તમામ સ્‍કૂલો અને સેન્‍ટ્રલાઇઝડ કિચનને ગેસ પૂરો પાડવા આદેશો

P.M.પોષણ યોજનાના સંયુકત કમિશનર ગૂપ્‍તા દ્વારા તમામ કલેકટરો-મ્‍યુ કમિશનરોને અપાયેલી સૂચના રાજકોટ સહિત તમામ DSOને જવાબદારી સોંપી દેવાઇ

રાજકોટ, તા.૧૪: મિડલ ઈસ્‍ટમાં યુદ્ધના કારણે ઊભી થયેલી એલપીજી ગેસની અછતની સીધી અસર શાળાઓના મધ્‍યાહન ભોજન પર ન પડે તે માટે રાજ્‍ય સરકાર એક્‍શન મોડમાં આવી છે. પીએમ પોષણ યોજનાના કમિશનરે તમામ જિલ્લા કલેક્‍ટરો અને મ્‍યુનિસિપલ કમિશનરોને પત્ર લખીને શાળાઓ અને સેન્‍ટ્રલાઈઝડ કિચન માટે ગેસનો પુરવઠો કોઈપણ અવરોધ વિના અને પ્રાથમિકતાના ધોરણે પૂરો પાડવા સૂચના આપી છે.

પીએમ પોષણ યોજનાના સંયુક્‍ત કમિશનર એન.એસ. ગુપ્તા દ્વારા ૧૩મી માર્ચ ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે કે, આ યોજના રાષ્‍ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત આવે છે. બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના બાળકોને નિયમિત ભોજન પહોંચાડવું એ રાજ્‍ય સરકારની કાનૂની બાંહેધરીરૂપ ફરજ છે. આથી, કોઈપણ સંજોગોમાં શાળાઓમાં રસોઈ બંધ થવી જોઈએ નહીં.

પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્‍યની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેનું ભોજન એલપીજી સિલિન્‍ડર પર રાંધવામાં આવે છે, જ્‍યારે એનજીઓ સંચાલિત શાળાઓમાં સેન્‍ટ્રલાઈઝડ કિચન મારફતે ભોજન તૈયાર થાય છે. વૈશ્વિક અસ્‍થિરતાને કારણે ગેસ સપ્‍લાયમાં અડચણો આવી રહી છે, ત્‍યારે ગેસ એજન્‍સીઓને પીએમ પોષણ યોજનાના કેન્‍દ્રોને અગ્રતા આપવા આદેશ અપાયો છે. જિલ્લા પુરવઠા અધિકારીઓને ગેસ પુરવઠો સુનિヘુિત કરવા જવાબદારી સોંપવામાં આવી છે. સેન્‍ટ્રલાઈઝ્‍ડ કિચન માટે જરૂરી ઇંધણના જથ્‍થામાં કોઈ વિઘ્‍ન ન પડે તે જોવાની તાકીદ કરી છે.

આ ગંભીર મુદ્દે શિક્ષણ વિભાગ અને અન્ન તથા નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવોને પણ જાણ કરવામાં આવી છે. તમામ મહાનગરપાલિકાઓના નાયબ કલેક્‍ટરોને આદેશ અપાયો છે કે તેઓ સ્‍થાનિક સ્‍તરે ગેસ સપ્‍લાય પર દેખરેખ રાખે જેથી બાળકોના પોષણ પર કોઈ વિપરીત અસર ન પડે.

(4:01 PM IST)