<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો સાગરીત અલ્પેશ વઘાસીયા ઝડપાયો: ટ્રેડિંગમાં રોકાણની લાલચ આપી 1500 કરોડથી વધુના ટ્રાન્જેક્શન કર્યાનો પર્દાફાશ

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અધિક પોલીસ કમિશનર ડો. કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈન ના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર એસ.ઈ. ડેન્યલ્સ અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પરમાર ની ટીમની કાર્યવાહી, દુબઈ ભાગી ગયેલા આરોપી વિરુદ્ધ એલ.ઓ.સી.ના આધારે એ.એમ. પરમાર અને ટીમે કરી ધરપકડ

રાજકોટ:શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગમાં રોકાણના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી દુબઈ સ્થિત આંતરરાષ્ટ્રીય ગેંગના એક મહત્વના સાગરીતને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી અલ્પેશ વઘાસીયા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યો હતો, જેના આધારે તે વિદેશથી પરત ફરતા જ તેને દબોચી લેવામાં આવ્યો છે.
તપાસનો ઘટનાક્રમ અને કાર્યવાહી
સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત તા. ૨૧/૦૬/૨૦૨૫ ના રોજ સુરતના ઉત્રાણ વિસ્તારમાં વી.આઇ.પી. સર્કલ પાસે આવેલા 'પ્રગતિ આઇ.ટી. પાર્ક' ના બિલ્ડિંગ-બી માં ઓફીસ નં. ૯૧૪ (IV Trade) પર રેઇડ કરવામાં આવી હતી. આ તપાસના દોર લંબાવતા રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર 'ધ સ્પાયર-૨' માં આવેલી 'Sky Growth Wealth Management' ની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ ગેંગ કોઈ પણ માન્ય લાયસન્સ વગર ભારતીય નાગરિકોને ઊંચા વળતરની લાલચ આપી ઓનલાઇન અને આંગડિયા મારફતે નાણાં મેળવી છેતરપિંડી કરતી હતી.
પકડાયેલ આરોપી અને તેની ભૂમિકા
ઝડપાયેલ આરોપી અલ્પેશ લાલજી બાબુ વઘાસીયા (રહે. ધર્મભક્તિ બંગ્લોઝ, વેલંજા ચોકડી, તા. ઓલપાડ, મૂળ રહે. રાવણા, તા. ગોંડલ) સુરતમાં ઓફિસ ભાડે રાખીને લોકોને Hantec Markets, Sky Growth Wealth Management અને IV Trade જેવી કંપનીઓમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરતો હતો.
અગાઉ પકડાયેલા આરોપીઓ:
 * ડેનીશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ડાયાલાલ ધાનક (રહે. શિલ્પાન ઓનીક્ષ, રાજકોટ).
 * જયસુખ રામજી જાદવ પટોળીયા (રહે. અંકુર સોસાયટી, એ.કે. રોડ, સુરત).
 * યશકુમાર કાળુ રામજી પટોળીયા (રહે. ઓમકાર એવન્યુ, અમરોલી, સુરત).
 * અજય ઉર્ફે ગોપાલ રાજેશ રશીક ભિંડી (રહે. પટેલ કોલોની, જામનગર).
રૂપિયા 1536 કરોડના ચોંકાવનારા વ્યવહારો
પોલીસ તપાસમાં આ ગેંગના અલગ-અલગ કંપનીઓના ૪૦ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેમાં કુલ રૂ. ૧૫,૩૬,૩૦,૦૮,૯૭૫/- (પંદર અબજ છત્રીસ કરોડથી વધુ) ના ટ્રાન્જેક્શન થયેલા જોવા મળ્યા છે. અત્યાર સુધીની તપાસમાં ૩૫ ઇન્વેસ્ટર સાક્ષીઓ સાથે રૂ. ૪,૨૬,૮૬,૫૫૦/- ની છેતરપિંડી થયાની વિગતો પણ સ્પષ્ટ થઈ છે.
દેશભરમાં ફેલાયેલું નેટવર્ક
આ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને દેશના વિવિધ ૨૩ રાજ્યોમાં સાયબર ગુનાઓ આચરવામાં આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ મુજબ કુલ ૧૭૧ ફરિયાદો નોંધાયેલી છે, જેમાં મુખ્યત્વે:
 * કર્ણાટક: ૩૨ ફરિયાદો
 * મહારાષ્ટ્ર: ૨૧ ફરિયાદો
 * તેલંગણા અને તમિલનાડુ: ૧૩-૧૩ ફરિયાદો
 * ગુજરાત: ૧૨ ફરિયાદો
તપાસ ટીમ અને માર્ગદર્શન
આ ઓપરેશન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અધિક પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો. કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ કમિશનર (સાયબર સેલ) બિશાખા જૈન ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. મદદનીશ પોલીસ કમિશનર એસ.ઈ. ડેન્યલ્સ અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પરમાર ની ટીમે આ સફળતા મેળવી છે.
પોલીસની જાહેર જનતાને અપીલ
સુરત સાયબર પોલીસે લોકોને અપીલ કરી છે કે કમિશનની લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ કોઈને વાપરવા આપવું નહીં, કારણ કે તે સાયબર ફ્રોડમાં વપરાતા હોય છે. જો તમારી સાથે છેતરપિંડી થાય, તો તુરંત હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવો.

(7:37 PM IST)