News of Saturday, 14th March 2026
વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ પોલીસ ફરિયાદ: તિરંગાના કથિત અપમાન મામલે કાયદાકીય ગાળિયો કસાવાની તૈયારી
વિશ્વકપ વિજયની ઉજવણી દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથે અશોભનીય વર્તનનો આરોપ; સામાજિક આગેવાનોએ કારેલીબાગ પોલીસ મથકે નોંધાવી લેખિત અરજી, દેશભરમાં વિવાદ વકર્યો

વડોદરા: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વકપ વિજયની ઉજવણી દરમિયાન બંને ક્રિકેટરોએ રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કર્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે વડોદરાના કારેલીબાગ પોલીસ મથકે એક લેખિત અરજી આપવામાં આવી છે. સામાજિક આગેવાન રાજેશકુમાર ગોયલ અને અન્ય નાગરિકો દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હાર્દિક પંડ્યાએ તિરંગાને ખભા પર ઓઢીને મેદાનમાં જે રીતે નાચગાન અને મનોરંજન કર્યું, તે રાષ્ટ્રધ્વજની ગરિમાની વિરુદ્ધ છે. વધુમાં, ઉજવણી દરમિયાન સ્ટેજ પર ગર્લફ્રેન્ડ સાથેની તેમની સ્થિતિ અને તે સમયે તિરંગાનો ઉપયોગ પણ ભારે વિવાદનું કારણ બન્યો છે.
અરજીકર્તાઓના મતે, આ માત્ર એક સામાન્ય ભૂલ નથી પરંતુ રાષ્ટ્રીય પ્રતિકો પ્રત્યેની અશ્રદ્ધા છે. ફરિયાદમાં ઈશાન કિશન પર પણ તિરંગા સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજેશકુમાર ગોયલે પોલીસ સમક્ષ આકરા પાણીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જે રાષ્ટ્રધ્વજ માટે દેશના જવાનો પોતાના પ્રાણ ન્યોછાવર કરે છે, તેનું આ પ્રકારે મનોરંજનના સાધન તરીકે ઉપયોગ કરવું અક્ષમ્ય છે. આ મામલે પોલીસે અરજી સ્વીકારીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જેના કારણે હવે ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, તિરંગાના અપમાનનો આ મામલો માત્ર વડોદરા પૂરતો સીમિત નથી. અગાઉ બેંગલુરુના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પણ પુણેના એક વકીલ દ્વારા હાર્દિક પંડ્યા વિરુદ્ધ સમાન પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે વડોદરામાં થયેલી આ અરજી બાદ પોલીસ કાયદેસરની તપાસ પ્રક્રિયા હાથ ધરે તેવી પ્રબળ શક્યતાઓ છે. જો તપાસમાં આક્ષેપો સાબિત થશે, તો સ્ટાર ક્રિકેટરો માટે મુશ્કેલીઓ વધી શકે છે. રાષ્ટ્રીય પ્રતિકોના સન્માનના મુદ્દે જાગૃત નાગરિકોની આ સક્રિયતાએ ફરી એકવાર દેશમાં 'રાષ્ટ્રધ્વજની ગરિમા' પર મોટી ચર્ચા જગાવી છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
