News of Sunday, 15th March 2026
અમરાઈવાડીમાં યુવતી હાથમાં છરા જેવા હથિયાર સાથે તોફાન મચાવતી દેખાઈ: વીડિયો વાયરલ: પોલીસ તપાસ શરૂ
વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ચલાવવામાં આવતાં હોવાના મુદ્દે કેટલાક સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો: આ મુદ્દે થયેલી બોલાચાલી બાદ સ્થિતિ ઉગ્ર બની

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે. સંજય ચોક વિસ્તારમાં આવેલી એક ચાલીમાં એક યુવતી હાથમાં છરા જેવા હથિયાર સાથે ધમકી આપતી અને હોબાળો મચાવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પગલે વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, ચાલીમાં બે પાડોશી પરિવારો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલતો હતો. વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ચલાવવામાં આવતાં હોવાના મુદ્દે કેટલાક સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે થયેલી બોલાચાલી બાદ સ્થિતિ ઉગ્ર બની ગઈ હતી. વાયરલ વીડિયોમાં બે યુવતીઓ વચ્ચે તીખી બોલાચાલી ચાલી રહી છે, જેમાંથી એક યુવતી હાથમાં છરા જેવું હથિયાર લઈને ધમકી આપતી નજરે પડે છે.
સ્થાનિક રહેવાસી મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ચારથી પાંચ યુવતીઓ સામે અરજી કરી છે. મહિલાના જણાવ્યા અનુસાર, તેઓ પરિવાર સાથે ચાલીમાં રહે છે અને ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ખાસ કરીને એક વ્યક્તિ દ્વારા દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવે છે. જ્યારે આ બાબતે વિરોધ કરવામાં આવ્યો ત્યારે સંબંધિત પરિવારની મહિલાઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
