News of Sunday, 15th March 2026
અમદાવાદમાં કાશ્મીરી સમુદાય માટે ‘બટ્ટા કોચ’ ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો: નાટ્ય જગતના દિગ્ગજ એમ. કે. રૈના અને માનવિતા બરાડીનું ભવ્ય સન્માન
કોશુર સમાચાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ; હસમુખ બરાડી લિખિત ગુજરાતી નાટક ‘એકલું આકાશ’ ના દિગ્દર્શન અંગે એમ. કે. રૈનાએ વિગતો આપી

અમદાવાદ:અમદાવાદ અને ગાંધીનગર સ્થિત કાશ્મીરી સમુદાયની સંસ્થા ‘કોશુર સમાચાર’ દ્વારા તાજેતરમાં પીવીઆર ખાતે ‘બટ્ટા કોચ’ ફિલ્મનો સ્પેશિયલ કોમ્યુનિટી પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કાશ્મીરી સમુદાયના સભ્યો, સિનેમા પ્રેમીઓ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કલા, સંસ્કૃતિ અને વાર્તાલેખન દ્વારા સમુદાયના લોકોને એકઠા કરવાનો હતો.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભારતીય નાટ્ય જગતના પ્રતિષ્ઠિત નિર્દેશક અને અભિનેતા એમ. કે. રૈનાનું સન્માન હતું. દાયકાઓ લાંબી કારકિર્દી ધરાવતા એમ. કે. રૈનાએ ૧૩ ભાષાઓમાં ૧૩૦થી વધુ નાટકો આપ્યા છે અને ૧૦૦થી વધુ મંચ રજૂઆતોમાં અભિનય કર્યો છે. તેમના જાણીતા નાટકોમાં ‘કબીરા ખડા બાઝાર મેં’, ‘કર્માવાલી’, ‘લોઅર ડેપ્થ્સ’, ‘પરી કુખ’, ‘કભી ના છોડે ખેત’, ‘ધ મધર’ અને ‘અંધા યુગ’નો સમાવેશ થાય છે. તેમના નિર્દેશિત ‘અંધા યુગ’ નાટકને બર્લિન અને યુએસએસઆરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી. કોશુર સમાચાર અમદાવાદ અને ગાંધીનગરના પ્રમુખ પી. એન. કૌલ અને ટી. કે. કાચરુએ એમ. કે. રૈનાને ભારતીય થિયેટર અને સંસ્કૃતિમાં તેમના અમૂલ્ય પ્રદાન બદલ સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે એમ. કે. રૈના હાલમાં હસમુખ બરાડી લિખિત ગુજરાતી નાટક ‘એકલું આકાશ’ નું નિર્દેશન કરી રહ્યા છે. આ નાટક અમદાવાદમાં યોજાનાર ‘ઓલ અબાઉટ નાટક ફેસ્ટ ૨૦૨૬’ માં રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત, કાર્યક્રમમાં ‘ઓલ અબાઉટ નાટક ફેસ્ટિવલ’ ના ડાયરેક્ટર માનવિતા બરાડીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. માનવિતા બરાડી અર્બન મેનેજમેન્ટ સેન્ટરના સ્થાપક અને રાણીપ સ્થિત થિયેટર એન્ડ મીડિયા સેન્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. કોશુર સમાચારના ઉપપ્રમુખ ડો. સુનિતા ભટ્ટ દ્વારા શહેરી વિકાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં માનવિતા બરાડીના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
કોશુર સમાચારના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સિનેમા અને થિયેટર સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવામાં અને સમુદાયોને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ‘સર્ચ કાશ્મીર’ દ્વારા નિર્મિત ફિલ્મ ‘બટ્ટા કોચ’ ના સ્ક્રીનિંગ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું, જેને પ્રેક્ષકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
