<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

વિકસિત ગુજરાત @ ર૦૪૭ : શ્રમ અને રોજગાર વિભાગનું રૂા. ર,૯૦ર કરોડનું ઐતિહાસિક બજેટ : યુવા અને શ્રમિકો માટે કલ્‍યાણકારી યોજનાઓનો ધોધ

દિકરીઓને આર્થિક કવચ : ‘નમો કૌશલ્‍ય લક્ષ્મી યોજના' હેઠળ આઇટીઆઇની વિદ્યાર્થીઓને રૂા. ર૪ હજાર સુધીની જાહેરાત, રોજગારીમાં ગુજરાત દેશમાં અવ્‍વલ : કુંવરજીભાઇ

ગાંધીનગર : મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વમાં રાજ્‍ય સરકાર ‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭' ના વિઝનને સાકાર કરવા માટે શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ. ૨,૯૦૨ કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર રજૂ કર્યું છે. મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે, આ બજેટ યુવાનોના કૌશલ્‍ય વર્ધન અને શ્રમિકોના સર્વાંગી કલ્‍યાણ માટે માઇલસ્‍ટોન સાબિત થશે.

૧. યુવા શક્‍તિને પાંખો : નમો ગુજરાત કૌશલ્‍ય અને રોજગાર મિશન : યુવાનોની રોજગારક્ષમતા વધારવા માટે સરકાર દ્વારા રૂ. ૨૨૬ કરોડની જોગવાઈ સાથે ‘નમો ગુજરાત કૌશલ્‍ય મિશન' શરૂ કરાશે. આ ઉપરાંત, ITI ક્ષેત્રે ક્રાંતિ લાવવા પી.એમ.સેતુ યોજના અંતર્ગત રૂ. ૨૦૦ કરોડના ખર્ચે સંસ્‍થાઓન ‘હબ-એન્‍ડ-સ્‍પોક' મોડલમાં અપગ્રેડ કરવામાં આવશે.

૨. દીકરીઓને પ્રોત્‍સાહન : નમો કૌશલ્‍ય લક્ષ્મી યોજના : ITIમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક ટેકો આપવા માટે રૂ. ૪૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ યોજના હેઠળ : ૧ વર્ષના કોર્સ માટે રૂ. ૧૫,૦૦૦ ની સહાય, ૨ વર્ષના કોર્સ માટે રૂ. ૨૪,૦૦૦ ની સહાય આપવામાં આવશે.

૩. શ્રમિકોની સુખાકારીઃ અન્નપૂર્ણા બુથ અને આરોગ્‍ય રથ : શ્રમિકોના કલ્‍યાણ માટે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના' અંતર્ગત વધુ ૩૦૦ નવા અન્નપૂર્ણા બુથ શરૂ કરાશે, જ્‍યાં માત્ર રૂ. ૫ માં પૌષ્ટિક ભોજન મળે છે. શ્રમિકોના સ્‍વાસ્‍થ્‍ય માટે વધુ ૫૦ નવા ધનવંતરી આરોગ્‍ય રથ ઉમેરવા રૂ. ૧૬૦ કરોડ અને રહેઠાણ માટે શ્રમિક બસેરા યોજનામાં રૂ. ૧૫૦ કરોડ ફાળવાયા છે.

૪. રોજગારીમાં ગુજરાત મોખરે :  બેરોજગારી દર માત્ર ૧.૧% : મંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્‍યું હતું કે, ભારતનો સરેરાશ બેરોજગારી દર ૩.૨% છે, જેની સામે ગુજરાતનો દર માત્ર ૧.૧% છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧,૨૧૫ જેટલા ભરતીમેળાઓ દ્વારા ૨.૬૦ લાખથી વધુ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે. રાજ્‍યમાં કારખાનાઓની સંખ્‍યામાં પણ ૧,૦૧૬નો વધારો થયો છે.

૫. ફયુચર ટેકનોલોજી : ડ્રોન ટ્રેનિંગ અને સેફ્‌ટી : રાજ્‍યમાં DGCA માન્‍ય ૬ ડ્રોન પાઇલટ તાલીમ કેન્‍દ્રો શરૂ કરાયા છે. અત્‍યાર સુધી ૧,૮૦૦થી વધુ તાલીમાર્થીઓને ડ્રોન પાઇલટ અને મેન્‍યુફેક્‍ચરિંગની ટ્રેનિંગ અપાઈ છે. આ સાથે જ અગરીયાઓ માટે સોલાર પેનલ ધરાવતા આવાસ અને સિલીકોસીસ પીડિતો માટે આર્થિક સહાયની જોગવાઈઓ દ્વારા સામાજિક સુરક્ષા કવચ મજબૂત કરાયું છે

(2:51 PM IST)