News of Tuesday, 17th March 2026
દિયોદરમાં ધોરણ-12ના વિદ્યાર્થી પર છરીના ઘા ઝીકાયા :નેસડાના બે યુવકો સામે ફરિયાદ
દિયોદરના સોની ગામમાં બોર્ડની પરીક્ષા આપીને બહાર નીકળેલા એક વિદ્યાર્થી પર બે યુવકોએ છરી વડે જીવલેણ હુમલો

વાવ-થરાદના દિયોદરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હિંસક ઘટના પ્રકાશમાં આવી છે. દિયોદરના સોની ગામમાં બોર્ડની પરીક્ષા આપીને બહાર નીકળેલા એક વિદ્યાર્થી પર બે યુવકોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ધોળા દિવસે સ્કૂલની બહાર બનેલી આ ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ સમગ્ર હુમલાના લોહીલુહાણ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.
ડીસાના નેસડા ગામનો 18 વર્ષીય મહેશ ચૌધરી હાલમાં ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. સોમવારે તે દિયોદરના સોની ગામની હાઈસ્કૂલમાં પોતાનું પેપર આપીને જેવો બહાર નીકળ્યો અને સ્કૂલના ગેટ પાસે ઉભો હતો, તે જ સમયે નેસડા ગામના જ બે યુવકો વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ ત્યાં ધસી આવ્યા હતા. અંગત અદાવત રાખીને આ બંને યુવકોએ મહેશ પર છરી વડે હિંસક પ્રહારો કરવાનું શરૂ કરી દીધું હતું.
આ હુમલામાં મહેશ ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલાખોરો તેને લોહીલુહાણ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત મહેશને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલા પાછળ જૂની કોઈ અંગત અદાવત જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે દિયોદર પોલીસ મથકે વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. દિયોદર પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. પરીક્ષા કેન્દ્રની બહાર જ સુરક્ષાના દાવાઓ વચ્ચે થયેલા આ હુમલાએ પોલીસ તંત્ર પર પણ સવાલો ઉભા કર્યા છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
