<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

દક્ષિણ ગુજરાતના પ્રવાસનને CMનો માતબર બૂસ્ટર ડોઝ : ₹1185 કરોડના ખર્ચે અંતરિયાળ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો થશે હાઈટેક અને સુપરફાસ્ટ

સુરત, નવસારી, તાપી અને ડાંગની ઇકો-ટુરિઝમ સાઇટો તેમજ ઐતિહાસિક અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટના વિકાસથી પ્રવાસન ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે : નરેન્દ્રભાઈ મોદી અને ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પ્રવાસીઓને આકર્ષવામાં દેશમાં ત્રીજા ક્રમે

ગાંધીનગર:ગુજરાતના પ્રવાસન નકશા પર દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક અને ઐતિહાસિક સ્થળોને વધુ તેજ ગતિએ જોડવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરત ઇકોનોમિક રિજિયન (SER) યોજનાના પ્રથમ તબક્કા અંતર્ગત દક્ષિણ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓને પહોળા અને અપગ્રેડ કરવા માટે ₹1185 કરોડની માતબર રકમ મંજૂર કરી છે. આ નિર્ણયથી અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરોથી ડાંગ અને વલસાડના અંતરિયાળ જંગલો સુધી પહોંચવું હવે આંખના પલકારામાં શક્ય બનશે.

પ્રવાસન ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વર્ષ 2024માં 14.85 ટકાનો જંગી વધારો નોંધાયો છે. આ સફળતામાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સૌથી વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં દેશભરમાં ત્રીજા સ્થાને ઉભરી આવ્યું છે, જે રાજ્યની પ્રવાસનલક્ષી માળખાગત સુવિધાઓના વિકાસનું પરિણામ છે.
સુવાલી બીચ અને અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટનો કાયાકલ્પ
સુરતના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ એવા સુવાલી બીચ સુધી પહોંચવા માટે હવે મોરા-સુવાલી બીચ રોડને ફોર-લેન કરવામાં આવશે. સુવાલી બીચ ફેસ્ટિવલને મળેલા પ્રતિસાદ બાદ અહીં સહેલાણીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી આ રસ્તાનો વિકાસ આર્થિક ગતિવિધિઓને પણ વેગ આપશે. તેવી જ રીતે, મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીયાત્રાના અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટ પર આવેલા કદરામા, એરથાણ, ટકરામા અને ભટગામ જેવા ગામોને જોડતો 3 મીટરનો સાંકડો રસ્તો હવે 7 મીટર પહોળો કરવામાં આવશે, જેનાથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને ઐતિહાસિક પ્રવાસ સુગમ બનશે.

દમણ, સંજાણ અને ડાંગના પ્રાકૃતિક સૌંદર્યની સફર થશે આસાન:
વલસાડ જિલ્લામાં ઉમરસાડીથી કોલક નદી પર કોઝ-વે બનાવીને હયાત 10 મીટરના કોસ્ટલ હાઈવેને ફોર-લેન કરવામાં આવશે. આ માર્ગ ઉદવાડા અગિયારી અને દમણ જેવા સ્થળોને જોડે છે. બીજી તરફ, ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં વઘઈથી આહવા જતો રાજ્ય ધોરીમાર્ગ હવે ચાર-માર્ગીય બનશે. આ માર્ગ શબરીધામ, પંપા સરોવર, પાંડવ ગુફા અને ડોન હિલ સ્ટેશન જેવા સ્થળોને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સાપુતારા સાથે ઝડપથી સાંકળશે.

રજવાડી નગર ધરમપુર અને ઇકો-ટુરિઝમ સાઇટોને બુસ્ટ:
ચીખલીથી ખેરગામ થઈને ધરમપુર જતા રસ્તાને પણ ચાર-માર્ગીય કરવાની મંજૂરી અપાઈ છે, જેથી વિલ્સન હીલ જેવા સ્થળોએ પ્રવાસીઓ ઝડપથી પહોંચી શકશે. આ ઉપરાંત કેવડી, પદમડુંગરી, ઉનાઇ મંદિર, વાંસદા નેશનલ પાર્ક અને ગીરા ધોધ જેવા સ્થળોએ વધતી જતી પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને રસ્તાઓનું અપગ્રેડેશન કરવામાં આવશે. આ માળખાગત સુવિધાઓના વિકાસથી સ્થાનિક આદિવાસી સમુદાયને રોજગારીની નવી તકો મળશે અને સરકારનો ‘સૌના સાથ, સૌના વિકાસ’નો મંત્ર વધુ મજબૂત બનશે.

(4:05 PM IST)