News of Tuesday, 17th March 2026
ગુજરાત વિધાનસભામાં સામાન્ય વહીવટ વિભાગની ₹ ૨૦૫૧.૨૭ કરોડની અંદાજપત્રીય માગણીઓ મંજૂર : છેવાડાના માનવી સુધી સુશાસન પહોંચાડવા જિલ્લા આયોજન બજેટમાં ₹ ૫૦૦ કરોડનો ધરખમ વધારો
ગુજરાતનો ડંકો વગાડવા ‘સ્પીપા’ (SPIPA) દ્વારા છ કેન્દ્રો પર ૬૩૫ ઉમેદવારોને UPSCની તાલીમ : રાજ્યના ૬.૫ લાખ કર્મચારીઓને ₹ ૧૦ લાખનું આરોગ્ય કવચ : ૨ લાખ નવી સરકારી ભરતીઓ માટે ૧૦ વર્ષીય કેલેન્ડર અને ધારાસભ્યોની ગ્રાન્ટમાં ₹ ૧ કરોડનો વધારો : ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ જળસંચયના કામો હવે ફરજિયાત

ગાંધીનગર:ગુજરાત વિધાનસભા ગૃહમાં સામાન્ય વહીવટ વિભાગની વર્ષ ૨૦૨૬-૨૭ની અંદાજપત્રીય માગણીઓ પરની ચર્ચાના અંતે ₹ ૨૦૫૧.૨૭ કરોડની જોગવાઈઓ બહુમતીથી પસાર કરવામાં આવી છે. આ અવસરે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘સુશાસન, સેવા, સંકલ્પ અને સમર્પણ’ના મંત્ર સાથે આગળ વધી રહી છે. આ બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ (GYAN) ના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
વિકેન્દ્રિત આયોજન અને ધારાસભ્ય ગ્રાન્ટમાં વૃદ્ધિ:
છેવાડાના નાગરિકોને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ બજેટમાં ₹ ૫૦૦ કરોડનો વધારો કરી કુલ ₹ ૨૧૦૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, ધારાસભ્ય વિસ્તાર વિકાસ ગ્રાન્ટ ₹ ૧.૫ કરોડથી વધારીને ₹ ૨.૫ કરોડ કરવામાં આવી છે. પર્યાવરણ જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપવા ધારાસભ્ય ફંડમાંથી હવે લઘુત્તમ ₹ ૫૦ લાખનો ખર્ચ જળસંચયના કામો માટે કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
કર્મયોગી કલ્યાણ અને આરોગ્ય સુરક્ષા:
રાજ્યના સરકારી કર્મચારીઓની સુખાકારી માટે મે-૨૦૨૫થી ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના ૬.૫ લાખ કર્મયોગીઓને ₹ ૧૦ લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત, ‘મિશન કર્મયોગી પ્રશિક્ષણ અભિયાન’ હેઠળ ૧.૭૫ લાખ કર્મચારીઓને વર્તણૂકલક્ષી તાલીમ અપાશે, જ્યારે અધિકારીઓના કાર્યક્ષમ મૂલ્યાંકન માટે ‘રિયલ ટાઈમ પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ ૨.૦’ (RTPMS 2.0) લોન્ચ કરવામાં આવી છે.
ભરતી કેલેન્ડર અને યુવા શક્તિનું કૌવત:
યુવાનો માટે રોજગારીની તકો સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે ૨૦૨૪ થી ૨૦૩૩ સુધીનું ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે, જે અંતર્ગત વિવિધ વિભાગોમાં ૨ લાખ નવી સરકારી ભરતીઓ કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતનો ડંકો વગાડવા ‘સ્પીપા’ (SPIPA) દ્વારા છ કેન્દ્રો પર ૬૩૫ ઉમેદવારોને UPSCની તાલીમ અપાઈ રહી છે. આ વર્ષે સ્પીપાના ૩૫ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે, જેમાં નિસાર દિશાંત અમૃતલાલે સમગ્ર ભારતમાં ૧૯મો ક્રમ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
વહીવટી સુધારણા અને ડિજિટલ ગવર્નન્સ:
વહીવટમાં પારદર્શિતા લાવવા માટે ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ’ (GARC) ની રચના કરવામાં આવી છે, જેણે અત્યાર સુધીમાં ૬ મહત્ત્વના અહેવાલો આપ્યા છે. રાજ્યના લાંબા ગાળાના આર્થિક આયોજન માટે ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટીટયુશન ફોર ટ્રાન્સફોર્મેશન’ (GRIT) કાર્યરત કરાયું છે. ડિજિટલ ક્ષેત્રે ‘આયોજન પોર્ટલ’, ‘CM ડેશબોર્ડ’ અને ‘મારી યોજના પોર્ટલ’ દ્વારા ૬૮૦થી વધુ યોજનાઓની માહિતી નાગરિકોને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજનું સશક્તિકરણ:
* તાલુકા કક્ષા: વિકાસશીલ તાલુકા યોજના હેઠળ ગ્રાન્ટ ₹ ૨.૦ કરોડથી વધારી ₹ ૨.૫ કરોડ અને એટીવીટી (ATVT) યોજનાની ગ્રાન્ટ ₹ ૧ કરોડથી વધારી ₹ ૧.૫ કરોડ કરાઈ.
* નગરપાલિકા: નગરપાલિકાઓની વિવેકાધીન ગ્રાન્ટ ₹ ૨૫ લાખથી વધારી ₹ ૫૦ લાખ કરવામાં આવી છે.
* જિલ્લા પંચાયત: જિલ્લા પંચાયત પ્રમુખોને સ્થાનિક વિકાસ કામો માટે ₹ ૧ કરોડની ફાળવણી અને જિલ્લા કક્ષાની વિવેકાધીન ગ્રાન્ટ ₹ ૨ કરોડ સુધી વધારવામાં આવી છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
