<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ગુજરાત'ના સંકલ્પને સાકાર કરતું રૂ. ૯૭૯ કરોડનું કુટીર અને ગ્રામોદ્યોગનું વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ: મંત્રી નરેશ પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "વિકસિત ભારત @ ૨૦૪૭"ના વિઝન અંતર્ગત "વોકલ ફોર લોકલ" અને “આત્મનિર્ભર ભારત”ના મંત્રને આત્મસાત કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના ગતિશીલ માર્ગદર્શન હેઠળ કામગીરી

અમદાવાદ તા.૧૭ : વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના "વિકસિત ભારત @ ૨૦૪૭"ના વિઝન અંતર્ગત "વોકલ ફોર લોકલ" અને “આત્મનિર્ભર ભારત”ના મંત્રને આત્મસાત કરી, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭નું ઐતિહાસિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીના ગતિશીલ માર્ગદર્શન હેઠળ રાજ્યના છેવાડાના કારીગરોને આર્થિક રીતે સદ્ધર બનાવવા અને ગુજરાતની ભાતીગળ કલાને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ માટે રૂ. ૯૭૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'ના સૂત્ર સાથે રાજ્ય સરકાર સ્થાનિક કારીગરોની કલાને આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક બજાર સાથે જોડવા રાજ્ય કટિબદ્ધ છે, તેમ મંત્રી  નરેશ પટેલે સ્વર્ણિમ સંકૂલ ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. 

 

બજેટ ૨૦૨૬-૨૭ની નવી પહેલ અને મુખ્ય આકર્ષણો

 

વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ-ODOPને વેગ આપવા રાજ્યના ૯૦ જેટલા પસંદગીના ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે રૂ. ૨૫ કરોડની ફાળવણી. કારીગરોના ઉત્પાદનોમાં ગુણવત્તા અને નવીનતા લાવવા માટે NIFT અને NID જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના સહયોગથી સેન્ટર ઓફ એક્સેલન્સ CoEની સ્થાપના કરવામાં આવશે. જે અંતર્ગત આગામી પાંચ વર્ષ માટે રૂ. ૨૭ કરોડનું આયોજન છે, જે પૈકી ચાલુ વર્ષે રૂ. ૨ કરોડની જોગવાઈ. કારીગરોને ડિજિટલ માર્કેટ સાથે જોડવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર થતા વેચાણના ૨૦ ટકા-વાર્ષિક મહત્તમ રૂ.  ૫૦ હજાર સુધી સહાય આપવામાં આવશે.

           માટીકામના કારીગરોને બ્લુ પોટરી જેવી ઉચ્ચ મૂલ્ય ધરાવતી કલામાં નિષ્ણાત બનાવવા સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-CGCRIના સહયોગથી તાલીમ અપાશે, જેના માટે રૂ. ૧.૨૫ કરોડની જોગવાઈ.રાજ્યના માટીકલા કારીગરોના ઉત્પાદનોના વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ અને બજાર વ્યવસ્થા પૂરી પાડવા રૂ. ૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા અને કારીગરોને કાયમી બજાર આપવા માટે અમદાવાદ ખાતે 'સ્વદેશી મોલ'ની સ્થાપના કરવામાં આવશે.

 

 

અગત્યની પ્રવર્તમાન યોજનાઓ

 

 શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત બેરોજગારોને સ્વરોજગારી આપવા માટે રૂ. ૪૯૦ કરોડની જોગવાઈ, જેનાથી અંદાજે ૩૦ હજારથી વધુ લાભાર્થીઓને લાભ મળશે. માનવ કલ્યાણ યોજના થકી આર્થિક પછાત વર્ગોને સાધન સહાય પૂરી પાડવા રૂ. ૨૫ કરોડના ખર્ચે ૨૦,૨૧૮ લાભાર્થીઓને ટૂલકીટ અપાશે.હાથશાળ અને હસ્તકલા ઔદ્યોગિક સહકારી મંડળીઓને નાણાકીય સહાય પેટે રૂ. ૭૫ કરોડથી વધુની જોગવાઈ. ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડ દ્વારા રૂ. ૫૭ કરોડથી વધુની જોગવાઇ થકી અંદાજે ૨૧ હજારથી વધુ લાભાર્થીઓને લાભ આપવાનું આયોજન.

    ગુજરાતના કારીગરો માટે રાજ્ય તેમજ રાજ્ય બહાર વિવિધ હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ તેમજ ખાદી અને માટીકામના કારીગરો માટે મેળા તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા રાજય તેમજ રાજય બહાર કુલ ૨૪૩ મેળાઓમાં ૨૪ હજારથી વધુ કારીગરોએ ભાગ લઇ અંદાજીત રૂ. ૧૩૫.૭૪ કરોડનું વેચાણ કર્યું છે, જ્યારે ગરવી ગુર્જરી દ્વારા કુલ ૨૧૬ મેળાઓનું આયોજન કરી અંદાજીત રૂ. ૫૦ કરોડથી વધુનું વેચાણ કર્યું છે.

    આ ઉપરાંત અર્બન હાટ દ્વારા કારીગરોને માર્કેટીંગ પ્લેટફોર્મ, કારીગરો પાસેથી ખરીદી અને તેનું ગરવી-ગુર્જરી એમ્પોરિયમ મારફત વેચાણ તેમજ માટીકામ કરતા કારીગરોને સાધન સહાય જેવી અનેક યોજનાઓ થકી પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

 વધુમાં, સુરત ખાતે કેન્દ્ર સરકારના સહયોગથી અંદાજે રૂ. ૩૦૦ કરોડના ખર્ચે ભવ્ય 'પી.એમ. એકતા મોલ' બની રહ્યો છે, જ્યાં દેશભરના ODOP અને GI ટેગ ધરાવતા ઉત્પાદનો ઉપલબ્ધ થશે.  

 

આમ, રાજ્ય સરકારે આ બજેટ થકી ગુજરાતના પરંપરાગત કારીગરોને આધુનિકતાના રંગે રંગીને 'આત્મનિર્ભર' બનાવવાની દિશામાં મક્કમ નિર્ધાર કર્યો છે.

 

આ પ્રેસ કોન્ફરન્સમાં ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર, અગ્ર સચિવ  મોહમ્મદ શાહિદ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(4:49 PM IST)