News of Tuesday, 17th March 2026
કાલથી વાતાવરણમાં આવશે પલટો :ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં સહિતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા
કાલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ :રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારના સમયે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે અને મહત્તમ તાપમાન ગગડતાં દિવસ દરમિયાન અનુભવાતી ગરમીથી થોડી રાહત મળી છે. જોકે આ બધાની વચ્ચે ખેડૂતોને ચિંતામાં મુકાઇ ગયા છે, કારણ કે હવામાન વિભાગે 18થી 20 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે ત્યારબાદ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. 18 માર્ચના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે.
19 માર્ચના રોજ કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે
20 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 18 અને 19 માર્ચના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
