News of Tuesday, 17th March 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપા સજ્જ: આવતીકાલે ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ પદાધિકારીઓ અને જિલ્લા પ્રભારીઓની મહત્વની બેઠક યોજાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વની સરકારની કામગીરી તથા પ્રતિનિધિઓના રિપોર્ટ કાર્ડ સાથે ભાજપા જનતા વચ્ચે જશે: કોંગ્રેસની નૌટંકીમાં જનતાને વિશ્વાસ નથી તેમ જણાવતા મુખ્ય પ્રવક્તા અનિલભાઈ પટેલ

ગાંધીનગર:ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આયોજન અને રણનીતિ ઘડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે આવતીકાલે ૧૮ માર્ચ ૨૦2૬, બુધવારે બપોરે ૧.૦૦ કલાકે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ, પ્રદેશ પદાધિકારીઓ, વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ તેમજ જિલ્લા અને મહાનગરોના પ્રભારીઓ અને ચૂંટણી સમિતિના સભ્યો ઉપસ્થિત રહેશે.
ચૂંટણી સંચાલન માટે સમિતિઓની રચના અને સંગઠનાત્મક આયોજન
ભાજપાના મુખ્ય પ્રવક્તા અનિલભાઈ પટેલે ચૂંટણી તૈયારીઓની વિગતો આપતા જણાવ્યું હતું કે, પક્ષની પરંપરા મુજબ ચૂંટણીના સુચારુ સંચાલન માટે પ્રદેશ સ્તરે આઠ સભ્યોની અને જિલ્લા-મહાનગર સ્તરે ચાર સભ્યોની ચૂંટણી સંચાલન સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. ભાજપા ૩૬૫ દિવસ કાર્યરત રહેતું સંગઠન છે અને આગામી દિવસોમાં પ્રવાસ, ગ્રુપ મીટિંગો, જાહેર સભાઓ તેમજ મહિલા, યુવા અને કિસાન સંમેલનો દ્વારા મતદારોનો સીધો સંપર્ક કરવામાં આવશે.
સરકારની કામગીરી અને પ્રતિનિધિઓના રિપોર્ટ કાર્ડના આધારે પ્રચાર
અનિલભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની લોકકલ્યાણની કામગીરી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલા કામોના રિપોર્ટ કાર્ડ સાથે ભાજપા નાગરિકો પાસે જશે. "જ્યાં માનવી ત્યાં સુવિધા" ના મંત્ર સાથે હર ઘર સુધી સેવા પહોંચાડવી એ પક્ષનું લક્ષ્ય છે. અગાઉની ચૂંટણીમાં રાજ્યની જનતાએ અંદાજિત ૯૫% સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપાને વિજયી બનાવી સેવા કરવાની તક આપી હતી, જે જનસમર્થન આ વખતે વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
વિપક્ષ પર પ્રહાર: કોંગ્રેસ પાસે કોઈ નક્કર મુદ્દા નથી
કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પર પ્રહાર કરતા અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિપક્ષ પાસે કોઈ ચોક્કસ આયોજન કે મુદ્દા નથી, તેથી તેઓ રાંધણ ગેસના બાટલા જેવા વિષયો પર નૌટંકી કરી રહ્યા છે. ગુજરાતનું જનમાનસ ક્યારેય કોંગ્રેસમાં વિશ્વાસ દાખવતું નથી. ભાજપા પાસે સ્પષ્ટ નેતા, નીતિ અને નેતૃત્વ હોવાથી આગામી ચૂંટણીઓમાં ગત વખત કરતા પણ વધુ સારા અને ઐતિહાસિક પરિણામો મેળવી ભાજપા રાજ્યભરમાં ફરી કેસરીયો લહેરાવશે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
