<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

દિકરી હોય તો આવી : ગાયીકા કિંજલ રબારીના ઘરે પરત ફરવાના નિર્ણંયને લાખો લોકોનું મળ્યું સમર્થન

ઘરે પરત આવ્યા બાદ તેણે એક ભાવુક વીડિયો શેર કર્યો હતો :આ વીડિયોને લોકોએ ખૂબ પ્રેમથી આવકાર્યો. લાખો લોકોએ તેને લાઈક કર્યો, શેર કર્યો અને કોમેન્ટમાં સમર્થન આપ્યું

ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીની જિંદગીમાં છેલ્લા કેટલાક દિવસોમાં એવું તોફાન આવ્યું કે જેણે સમગ્ર રાજ્યના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પાટણ જિલ્લાની રાધનપુરની આ યુવા ગાયિકા, જેના ગીતોમાં ગામડાની સાદગી અને લોકસંસ્કૃતિનો રંગ ભર્યો હોય છે, તેણે પ્રેમના નામે એક મોટું પગલું ભરી અન્ય સમાજના યુવક અશોક ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ ભૂલ પોતાની ભૂલ સમજાતા પરિવાર પાસે પરત ફરી છે. તેના આ નિર્ણયને લાખો લોકોએ સમર્થન આપ્યું છે. સાથે રબારી સમાજમાં કિંજલ રબારીના વખાણ પણ હાલ થઈ રહ્યા છે કે દિકરી હોય તો આવી.

 

આ લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિવાદનો વંટોળ ઉભો થયો હતો. રબારી સમાજના આગેવાનો, પરિવાર અને સમાજના મોટા ભાગના લોકોનો વિરોધ થયો. કિંજલે પોતે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ધમકીઓનો ભય વ્યક્ત કર્યો અને પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. તેણીએ કહ્યું હતું કે, જો કંઈ થશે તો જવાબદારી પરિવારની રહેશે. આ વીડિયોને જોઈને લોકોમાં ચિંતા અને ચર્ચા ફેલાઈ કેટલાકએ તેને સમર્થન આપ્યું, તો કેટલાકએ સમાજના નિયમોની વાત કરી.

 

પરંતુ જિંદગીના આ તોફાનમાં કિંજલના મનમાં એક યુદ્ધ ચાલી રહ્યું હતું. પ્રેમ અને પરિવાર વચ્ચેનું યુદ્ધ. સમાજના આગેવાનોની બેઠકો થઈ, બંને સમાજ વચ્ચે વાતચીત થઈ અને આખરે એક નિર્ણય થયો. કિંજલે પોતાના પરિવાર પાસે પરત ફરવાનું પસંદ કર્યું. ઘરે પરત આવ્યા બાદ તેણે એક ભાવુક વીડિયો શેર કર્યો. તેની આંખોમાં ઉદાસી અને ચહેરા પર થાક દેખાતો હતો. તેણીએ કહ્યું કે, "હું રાહ ભટકી ગઈ હતી… મેં ખોટું પગલું ભર્યું હતું. હવે હું રાજીખુશીથી મારા પરિવાર પાસે પરત આવી ગઈ છું. ખોટી અફવા ન ફેલાવતા. હું મારા પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું."

આ વીડિયોને લોકોએ ખૂબ પ્રેમથી આવકાર્યો. લાખો લોકોએ તેને લાઈક કર્યો, શેર કર્યો અને કોમેન્ટમાં સમર્થન આપ્યું. કેટલાકે તેને "સાચો રસ્તો પસંદ કર્યો" કહ્યું, તો કેટલાકે "પરિવારનો પ્રેમ સૌથી મોટો છે" એવું લખ્યું. રબારી સમાજના આગેવાનોએ પણ આને સમાજની એકતા અને તાકાતની જીત ગણાવી.

(7:35 PM IST)