News of Tuesday, 17th March 2026
પાવાગઢમાં રોપવે અને આધુનિક સુવિધાઓ હોવા છતાં, ડુંગર પરની દુકાનો અને પરિવારો માટે ૩૦૦થી વધુ ગદર્ભો ‘લાઈફ લાઇન’ સમાન
1500 પગથિયાં ચઢીને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડતા આ પ્રાણીઓ ૫૦૦ જેટલા પરિવારોને રોજગારી પૂરી પાડે છે. આ પરંપરાગત સેવા આજે પણ આધુનિક ટેકનોલોજી જેટલી જ અનિવાર્ય

પંચમહાલ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. જ્યારે લાખો શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે રોપવેમાં બેસીને આરામથી ડુંગર પર ચઢે છે, ત્યારે પડદા પાછળ એક અલગ જ ‘જીવનરેખા’ સતત કાર્યરત હોય છે, જેને ‘ગદર્ભ લાઈફ લાઇન’ તરીકે ઓળખવામાં આવે છે.
પાવાગઢમાં રોપવે સેવા માત્ર પ્રવાસીઓને લઈ જાય છે, પરંતુ ડુંગર ઉપર વસવાટ કરતા પરિવારો અને સેંકડો દુકાનો માટે જીવનજરૂરી વસ્તુઓ જેવી કે તેલ, લોટ , પીવાના પાણીની બોટલ, પૂજાની સામગ્રી, ફળ-શાકભાજી અને કપડાં પહોંચાડવાનું કામ આ ગદર્ભો જ કરે છે. જ્યાં વાહનો પહોંચી શકતા નથી અને શ્રમિકો માટે આટલો વજન ઊંચકીને ચઢવું અશક્ય છે, ત્યાં આ ગદર્ભ જ એકમાત્ર વિશ્વસનીય માધ્યમ સાબિત થયા છે.
સદીઓ જૂની આ પરંપરા આજે આધુનિક યુગમાં પણ જીવંત છે. માચીથી લઈને મુખ્ય મંદિર સુધીના અંદાજિત 1500 પગથિયાં આ પ્રાણીઓ દરરોજ ભારે વજન સાથે ચઢે છે. સામાન્ય માણસને દિવસમાં એકવાર સામાન વગર ચઢવાનું પણ ભારે પડે છે, ત્યારે આ અબોલ જીવો કોઈ પણ ફરિયાદ કે થાક વગર પોતાની ફરજ બજાવે છે. સ્થાનિક વેપારીઓના મતે, જો ગદર્ભની સેવા ન હોય તો ડુંગર પર એક દિવસ પણ વ્યવસાય ચલાવવો અશક્ય બની જાય.
રસપ્રદ વાત એ છે કે સમાજમાં ઘણીવાર 'ગદર્ભ' શબ્દનો ઉપયોગ કોઈને ટોકવા માટે કરવામાં આવે છે, પરંતુ પાવાગઢમાં આ જ પ્રાણીઓ તેમની બુદ્ધિ અને ક્ષમતાના આધારે અનેક પરિવારોની રોજીરોટીનું સાધન બન્યા છે. જેમ કેદારનાથ કે વૈષ્ણોદેવીમાં ખચ્ચર સેવા આપે છે, તેમ પાવાગઢમાં આ ગદર્ભો પાયાની જરૂરિયાત પૂરી પાડે છે.
ગદર્ભના માધ્યમથી રોજગારી મેળવતા રાજુભાઈ જણાવે છે કે, હાલમાં 300થી વધુ ગદર્ભો આ ડુંગર પર સામાનની હેરાફેરી કરે છે. આ વ્યવસાય દ્વારા લગભગ 500 જેટલા વ્યક્તિઓને સીધી રોજગારી મળી રહી છે. નવરાત્રી જેવા મોટા તહેવારોમાં જ્યારે ભીડ વધે છે, ત્યારે આ નિર્દોષ જીવો વધુ મજબૂત બનીને સતત સેવા આપે છે, જે સાબિત કરે છે કે સાચી સેવા ક્યારેય ભાર નથી લાગતી.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
