News of Wednesday, 18th March 2026
સમયસર ભરતી ન થતા હજારો ઉમેદવારો નોકરીથી વંચિત : અમિત ચાવડા
કર્મચારીઓને કર્મયોગી કહો છો, પરંતુ OPS કયારે આપશો? : ગુજરાતમાં કોન્ટ્રાકટ - આઉટર્સોસિંગ પ્રથા નાબુદ કરો - યુવાનોનું શોષણ - અન્યાય બંધ કરો : આધુનિક યુગના દ્રોણાચાર્યોએ એસ.સી, એસ.ટી.,ઓ.બી.સી, માઈનોરીટી વર્ગના પ્રતિભાશાળી યુવાનોના અંગૂઠા કાપ્યા : અમિત ચાવડા ૧૯૯૫માં જે મંજુર મહેકમ હતું તેટલુ જ અધિકારીઓ-કર્મચારીઓ ૨૦૨૬માં કામ કરે છે તેમાં પણ ૨૦% જગ્યાઓ ઉપર કોન્ટ્રાકટ - આઉટર્સોસિંગથી કામ લેવાય છે : વસ્તીના પ્રમાણમાં મહેકમ માં વધારો કરો, કાયમી ભરતી કરી ગુજરાતમાં યુવાનોને કાયમી રોજગાર આપો : કોંગ્રેસના ધારાસભ્યના પ્રહારો

અમદાવાદ, તા.૧૮: ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાએ રાજ્ય સરકારની કાર્યશૈલી અને નીતિઓ સામે તીવ્ર આક્ષેપો કર્યા હતા. સામાન્ય વહીવટ વિભાગમાં થતા ભારે ખર્ચ અને તેની સામે મળતા નબળા પરિણામો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સરકાર દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેક્ટોની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ જમીનસ્તરે સામાન્ય નાગરિકોને તેનું કોઈ યોગ્ય લાભ મળતો નથી. વર્ષ ૧૯૯૫ની તુલનામાં વસતિમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં સરકારી મહેકમમાં પૂરતો વધારો કરવામાં આવ્યો નથી.જે સરકારના ગેરવહીવટ અને નિષ્ફળતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
વધુમાં શ્રી ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં વધતી બેરોજગારી અને ભરતી પ્રક્રિયાની ગેરવ્યવસ્થાને લઈને પણ સરકારને કડક શબ્દોમાં ઘેરી હતી. લાખો યુવાનો વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષાઓ પાસ કરે છે, પરંતુ ત્યારબાદ લાંબા સમય સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થતી નથી, જેના કારણે યુવાનોમાં ભારે નિરાશા ફેલાઈ રહી છે. ઘણા કેસોમાં પરીક્ષા પાસ કર્યા બાદ પણ ઉમેદવારોને નિમણૂક માટે રાહ જોવી પડે છે અથવા પ્રક્રિયા જ અટવાઈ જાય છે. ખાસ કરીને ટેટ-ટાટ પાસ થયેલા શિક્ષકોના મુદ્દે તેમણે ઉલ્લેખ કર્યો કે, ૨૦૧૧થી આજ સુધી હજારો યુવાનો વયમર્યાદા વટાવી ચૂકયા છે અને હવે નોકરી મેળવવાની તેમની આશા સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે.
ભરતી પ્રક્રિયામાં વિલંબ અને ગેરવ્યવસ્થાના કારણે યુવાનોને ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટર્સોસિંગ આધારિત નોકરી કરવા મજબૂર થયા છે, જ્યાં ‘સમાન કામ માટે સમાન વેતન'નો અધિકાર છીનવાઈ રહ્યો છે. જેના કારણે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે.આજના સમયમાં પણ કેટલાક ‘આધુનિક દ્રોણાચાર્યો' એસ.સી., એસ.ટી, ઓ.બી.સી. અને માઈનોરીટી વર્ગના પ્રતિભાશાળી યુવાનોને યોગ્ય તકોથી વંચિત રાખી રહ્યા છે, જે બંધારણીય મૂલ્યોના વિરુદ્ધ છે. શ્રી અમિતભાઈ ચાવડાએ રાજ્ય સરકારને ભારપૂર્વક જણાવ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર સંવેદનશીલતા દાખવે, સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે અને કોન્ટ્રાક્ટ-આઉટર્સોસિંગ જેવી શોષણકારી પ્રથાઓને સંપૂર્ણ રીતે નાબૂદ કરે. સામાન્ય વહીવટ દ્વારા તમામ સ્તરે વખતો વખત સૂચનાઓ અને પરિપત્રો પાઠવવામાં આવે છે. ગળહમાં વારંવાર પ્રોટોકોલના પાલન અંગે ચર્ચા થાય છે, છતાં જનપ્રતિનિધિઓના પ્રોટોકોલ જળવાતા નથી. સરકારી કાર્યક્રમોની પત્રિકાઓ,સ્ટેજ વ્યવસ્થા કે અન્ય શિષ્ટાચાર દરેક સ્તરે ધારાસભ્યોની અવગણના થતી જોવા મળે છે. એક તરફ ઉત્સવો અને જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ પ્રજાના કલ્યાણ માટે કાર્યરત આ મહત્વના વિભાગના આદેશોની કોઈ અસરકારકતા દેખાતી નથી. શું આ વ્યવસ્થા માત્ર દેખાડા પૂરતી જ મર્યાદિત છે. તેમ મિડીયા કોર્ડીનેટર અને પ્રવકતા હેમાંગ રાવલે જણાવ્યુ છે
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
